અંડરબ્રીજ સહિતના વિવિધ ચોકમાં આવેલા હોર્ડિગ્ઝ, બેનરો ફાટયા : ૫૦થી વધુની ઝડપ ભારે પવન ફૂંકાયો
રાજકોટમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને કમોસમી છુટા-છવાયો વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે શહેરમાં આવેલી મસાલા માર્કેટનું સમીયાણું કડડડભૂસ થઇ ગયું હતું તેમજ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા હતાં. શહેરમાં વિવિધ ચોકમાં લાગેલા મોટા મોટા હોર્ડિગ્ઝ, બેનરો ફાટયા હતાં. વાવાઝોડાના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભારે પવનના કારણે બાપા સિતારામ ચોકમાં આવેલી મસાલા માર્કેટની સમગ્ર સમિયાણું ધરાશાય થઇ ગયું હતું. રાષ્ટ્રીય શાળામાં આવેલું જુનું વૃક્ષ પડી ગયું હતું. તેમજ અંડરબ્રીજ સહિતના વિવિધ ચોકમાં લાગેલા મોટા મોટા બેનરો ફાટી ગયા હતાં અને ઉપરાંત નાનામવા રોડ શાસ્ત્રીનગર પાસે પણ એક ઝાડ પડી ગયું હતું. જે રસ્તામાં નડતર રૂપ હોવાથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલીક સ્થળે પહોંચી તેને હટાવવાની કામગીરી કરી હતી. ઉપરાંત ફૂલછાબ ચોક, રેસકોર્ષ રીંગ સહિતના વિસ્તારમાં હોર્ડિગ્ઝ, બેનર હવામાં ઉલડીયા હોવાના વાવડ તંત્રને મળતાં તુરંત દોડતું થયું હતું.
ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ફાયર બ્રિગેડના ફોનની રીંગ પણ આખી રાત રણકી હતી અને ફાયરબ્રિગેડમાં ઝાડ પડવાના ડઝનેક ફોન આવ્યા હતાં. ચાર કલાકમાં જ રોજ કરતાં ૫૦ ટકા ફોન ફાયર બ્રિગેડમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પવનના હિસાબે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થયાની ફરિયાદો મળી હતી. આખી રાત વીજળી નહી આવતા લોકો ઘરમાં જ બફાયા હતાં. જો કે કેટલાકનું કહેવું છે કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં થોડી રાહત અનુભવી હતી.


