તર્ક અને ટેકનોલોજી: આજના યુગમાં આધ્યાત્મિકતા ટકાવવાનો નવો પડકાર.
જ્ઞાનનું અલ્પાયુષ: માહિતીના અતિરેકમાં ખોવાતી અનુભૂતિ.
ભારતની ધરતી સદીઓથી આધ્યાત્મિક જ્ઞાનનું કેન્દ્ર રહી છે. પરંતુ આજે એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક તરફ ધર્મગુરુઓ અને વિવિધ પંથોની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ સામાન્ય માણસ અને યુવાનો વધુ અશાંત અને ભટકેલા જોવા મળે છે. જ્ઞાન પુષ્કળ છે, પણ તે જીવનમાં ટક્તુ કેમ નથી? આચરણની ભૂમિ કોરી કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર આપણી જ્ઞાન પીરસવાની પદ્ધતિમાં છુપાયેલો છે. ચાલો, વાસ્તવિકતા સ્વીકારીએ અને પરિવર્તન લાવીએ.
૧. સ્વર્ગ-નરક નહીં, લાઇફ મેનેજમેન્ટ પર ભાર:
યુવાનોને મર્યા પછીના સુખમાં નહીં, પણ જીવતે જીવ મળતા માનસિક શાંતિમાં રસ છે. ગીતાજીને ધર્મગ્રંથ નહીં, પણ આધુનિક સાયકોલોજી અને મેનેજમેન્ટના પુસ્તક તરીકે રજૂ કરવાનો સમય પાકી ગયો છે.
૨. ભીડની હરિફાઈ છોડો, હૃદય સુધી પહોંચો:
સંતોએ હવે મોટી સભાઓ કરી માણસો ભેગા કરવાની સ્પર્ધામાંથી બહાર આવવું પડશે. જ્ઞાન સમૂહ માટે નહીં, પણ મેસેજ મારફત આપવું પડશે.
૩. કોલેજ કેમ્પસ – નવું કુરુક્ષેત્ર:
યુવાનો આશ્રમે નહીં આવે, જ્ઞાને કોલેજ સુધી પહોંચવું પડશે. ડિપ્રેશન, કેરિયર અને રિલેશનશિપ જેવા આધુનિક પ્રશ્નોના ઉકેલ જો આધ્યાત્મમાં મળશે, તો જ યુવાનો જોડાશે.
૪. ડિજિટલ ક્રાંતિ:
સોશિયલ મીડિયા પર માત્ર પ્રવચન નહીં, પણ ક્રાંતિકારી અને તાર્કિક વિચારોની જરૂર છે. જૂનું જ્ઞાન, નવી શૈલી – ટૂંકા અને સચોટ વિડિયો દ્વારા યુવાનોની શંકાઓનું નિવારણ જ સાચો સત્સંગ છે.
૫. ઉપદેશ નહીં, સોલ્યુશન આપો:
જ્યારે જ્ઞાન ભય ને બદલે શક્તિ આપશે, ત્યારે જ તે આચરણમાં ઉતરશે. પંથ બદલવાની મજબૂરી ત્યારે જ અટકશે જ્યારે મનુષ્યને પોતાની અંદર સ્થિરતા મળશે. સમયની માંગ છે- જ્ઞાનને તિજોરીમાંથી બહાર કાઢીને જીવનમાં લાવીએ. સાચું જ્ઞાન એ છે જે મનુષ્યને ભીડમાંથી કાઢીને પોતાની અંદર સ્થિર કરે.
જ્ઞાન જીવનમાં ટક્તુ કેમ નથી, તેની પાછળના ગંભીર અને મનોવૈજ્ઞાનિક કારણો આ રહ્યા.
૧. આધ્યાત્મિક જ્ઞાન ન ટકવા પાછળના અવરોધક પરિબળો:
* માહિતીનો અતિરેક- આજે યુવાનોના મગજ પર સોશિયલ મીડિયા દ્વારા અસંખ્ય વિચારોનો મારો થઈ રહ્યો છે. એક આધ્યાત્મિક વિડીયો જોયા પછી તરત જ મનોરંજન કે સમાચારનો વિડીયો આવે છે, જેનાથી આધ્યાત્મિક જ્ઞાન મનમાં સ્થિર થવાને બદલે સ્ક્રોલ થઈ જાય છે.
* ગ્લેમર અને માર્કેટિંગનો પ્રભાવ- ઘણી સંસ્થાઓ અને પંથો આધ્યાત્મિકતાને પ્રોડક્ટ તરીકે રજૂ કરે છે. જ્યારે જ્ઞાન અનુભૂતિને બદલે ભપકાદાર કાર્યક્રમો અને માર્કેટિંગ પર આધારિત બને છે, ત્યારે તેની અસર લાંબો સમય ટકતી નથી.
* કહેણી અને કરણીમાં તફાવત- જ્યારે યુવાનો પ્રભાવશાળી વક્તાઓ કે સંતોના જીવનમાં વાસ્તવિકતા અને પ્રવચન વચ્ચે અંતર જુએ છે, ત્યારે તેમનો વિશ્વાસ ડગી જાય છે. આ વિશ્વાસનો અભાવ જ્ઞાનને સ્વીકારવામાં આડખીલી બને છે.
૨. સંસ્થાઓ અને મોટિવેટરોની મર્યાદાઓ:
ઘણી NGO અને ધાર્મિક સંસ્થાઓ ભગીરથ કાર્ય કરી રહી છે, છતાં કેટલાક પાસાઓ ખૂટે છે,જેમાં..
* તાર્કિક અભિગમનો અભાવ- આજનો યુવાન શ્રદ્ધા પહેલા તર્ક શોધે છે. જ્યારે ધાર્મિક જ્ઞાનને વિજ્ઞાન અને આધુનિક જીવનશૈલી સાથે સાંકળીને સમજાવવામાં નથી આવતું, ત્યારે તે માત્ર એક કથા બનીને રહી જાય છે.
* વિવિધ પંથોની આંતરિક ખેંચતાણ- વિવિધ પંથો અને સંપ્રદાયો વચ્ચે પોતાની જ શ્રેષ્ઠતા સાબિત કરવાની હોડ, યુવાનોમાં મૂંઝવણ પેદા કરે છે. એકતાના અભાવે સાચું તત્વ જ્ઞાન વિસરાઈ જાય છે.
* મોટિવેટર્સનું મર્યાદિત જ્ઞાન- ઘણા મોટિવેશનલ સ્પીકર્સ શાસ્ત્રોના ઊંડા જ્ઞાન વગર માત્ર ઉપર છલ્લી વાતો કરે છે, તે સાંભળવામાં સારી લાગે છે પણ આત્મા સુધી પહોંચતી નથી.
૩. આધ્યાત્મિક જ્ઞાન અને માનસિક સ્થિતિ વચ્ચેનો સંબંધ:
આધ્યાત્મિકતા એ જાણવાનો નહીં પણ બનવાનો વિષય છે. જ્ઞાન ટકવા માટે નીચેના ચક્રને સમજવું જરૂરી છે.
* ચિંતનનો અભાવ- જ્ઞાન સાંભળ્યા પછી તેના પર મનન કે ચિંતન કરવા માટે જે એકાંત અને શાંતિ જોઈએ, તે આજના આધુનિક યુગમાં મળવી મુશ્કેલ છે.
* તાત્કાલિક પરિણામની અપેક્ષા- આધ્યાત્મિકતા એ ધીમી પ્રક્રિયા છે. યુવાનોને દરેક વસ્તુમાં ઇન્સ્ટન્ટ પરિણામ જોઈએ છે, જે આધ્યાત્મિક માર્ગે શક્ય નથી.
૪. ઉકેલ- જ્ઞાનને જીવનશૈલી કેવી રીતે બનાવવું?
જો આપણે ઈચ્છીએ કે આધ્યાત્મિક જ્ઞાન માનસમાં ટકી રહે, તો અભિગમ બદલવો પડશે,તેના માટે..
* ક્રિટીકલ થિંકિંગ- ધર્મને અંધશ્રદ્ધાને બદલે એક જીવન જીવવાની કળા તરીકે રજૂ કરવુ પડશે.
* રોલ મોડલ્સ- સમાજ અગ્રણીઓ અને વાલીઓએ પોતે એ જ્ઞાનનું આચરણ કરીને ઉદાહરણ પૂરું પાડવું પડશે.
* સેવા અને સાધનાનો સમન્વય- જ્ઞાન ત્યારે જ સ્થિર થાય છે જ્યારે તે કર્મોમાં ઉતરે, માત્ર પ્રવચનો સાંભળવાને બદલે નિઃસ્વાર્થ સેવા અને વ્યક્તિગત ધ્યાનને પ્રાધાન્ય આપવું પડશે.
૫. ધર્મનું વ્યાપારીકરણ:
જ્યારે ધર્મ મુક્તિ નો માર્ગ મટીને માર્કેટિંગ અને મોનોપોલી નો વિષય બને છે, ત્યારે તેની પવિત્રતા જોખમાય છે.
આ વિષય પરના કેટલાક કડવા પણ વાસ્તવિક પાસાઓ જોઈએ.
* કોર્પોરેટ મોડલ, એક કડવું સત્ય-
આજે ઘણા ધર્મગુરુઓએ ધર્મને એક કોર્પોરેટ મોડલમાં ફેરવી નાખ્યો છે. જ્યારે ભક્તિનું સ્થાન સબ્સ્ક્રિપ્શન કે ડોનેશન લઈ લે છે, ત્યારે યુવાનોને તેમાં આધ્યાત્મિકતાને બદલે વ્યવસાય દેખાય છે.
* ગ્લેમર અને દેખાડો- ભવ્ય આશ્રમો, લક્ઝુરિયસ ગાડીઓ અને સુરક્ષા કાફલાઓ વચ્ચે રહેતા ધર્મગુરુઓ જ્યારે ત્યાગના ભાષણ આપે છે, ત્યારે તાર્કિક વિચારધારા ધરાવતો યુવાન તેને સ્વીકારી શકતો નથી.
* ડરનું માર્કેટિંગ- ઘણા કિસ્સાઓમાં ધર્મને પ્રેમ અને શાંતિ ને બદલે પાપ અને ડર ના માધ્યમથી વેચવામાં આવે છે, જે લાંબા ગાળે માનસિક નકારાત્મકતા પેદા કરે છે.
૬. યુવાનોમાં નવી સિસ્ટમની જરૂરિયાત:
યુવાનોમાં આધ્યાત્મિક જ્ઞાન ટકાવવા માટે જૂની ઘરેડ છોડીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ લાવવી અનિવાર્ય છે.
* પ્રશ્ન પૂછવાની આઝાદી- આપણી પરંપરામાં શાસ્ત્રાર્થની પ્રથા હતી. આજે જો કોઈ યુવાન પ્રશ્ન પૂછે તો તેને નાસ્તિક કહી દેવામાં આવે છે. જો ધર્મગુરુઓ પ્રશ્નોના તાર્કિક જવાબો આપવાની સિસ્ટમ વિકસાવે, તો જ્ઞાન ટકશે.
* વ્યવહારુ જ્ઞાન- માત્ર હિમાલયમાં જઈને શાંતિ મળે તેવું જ્ઞાન યુવાનોને ખપતું નથી. તેમને એવું આધ્યાત્મ જોઈએ છે જે ઓફિસના ટેન્શનમાં, પરીક્ષાના દબાણમાં અને રિલેશનશિપના પ્રોબ્લેમમાં કામ આવે.
૭. ઈન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન નો પ્રભાવ:
આજે યુવાનોમાં બધું જ તરત મેળવવાની ઘેલછા છે. ઘણા ધર્મગુરુઓ પણ આ નબળાઈનો લાભ લે છે અને ચમત્કાર કે ટૂંકા રસ્તાઓ બતાવે છે. આધ્યાત્મિકતા એ મેગી નથી કે બે મિનિટમાં તૈયાર થઈ જાય. તે વર્ષોની સાધના છે. આ સત્ય યુવાનોને સમજાવવાની નવી સિસ્ટમ હોવી જોઈએ.
૮. જ્ઞાન ટકાવી રાખવા માટેના ઉકેલ:
* વ્યક્તિગત અનુભૂતિ vs સંસ્થાકીય જોડાણ- યુવાનોએ કોઈ સંસ્થા કે વ્યક્તિ ના અંધભક્ત બનવાને બદલે શુદ્ધ તત્વજ્ઞાન, જેમ કે ઉપનિષદ, ગીતા કે સાદગીપૂર્ણ સૂફીવાદનુ સીધું વાંચવું કરવું જોઈએ.
* સેવા-લક્ષી આધ્યાત્મ- જે જ્ઞાન માત્ર એસી હોલમાં બેસીને સાંભળવાનું હોય તે જલ્દી ભૂલાઈ જાય છે. પણ જો એ જ્ઞાનને કોઈ ગરીબની સેવામાં કે પર્યાવરણના રક્ષણમાં જોડવામાં આવે, તો તે જીવનભરનું સંભારણું બની જાય છે.
* ગુરુની પસંદગીમાં વિવેક- યુવાનોએ એવા ગુરુઓને અનુસરવા જોઈએ જેમના જીવનમાં સાદગી હોય અને જેમની વાતોમાં વિજ્ઞાન અને તર્કનો સમન્વય હોય.
* નવી શિક્ષણ નીતિ- જો આધ્યાત્મિકતાને કોઈ ધાર્મિક વાડાબંધી વગર, એક જીવન જીવવાની કળા તરીકે સમાવવામાં આવે, તો તે યુવાનોના માનસિક અને બૌદ્ધિક વિકાસમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. જ્યારે શિક્ષણ અને આધ્યાત્મનો સમન્વય થાય છે, ત્યારે કેવા પ્રકારની નવી સિસ્ટમ ઊભી થઈ શકે,તેના પર એક દ્રષ્ટિકોણ.
* આધ્યાત્મિકતા- ધર્મ નહીં, પણ માનસિક વિજ્ઞાન, શિક્ષણ નીતિમાં આધ્યાત્મિકતાનો અર્થ મંત્રોચ્ચાર કે વિધિ-વિધાન નથી, પરંતુ સ્વ-જાગૃતિ, હું કોણ છું? મારી ક્ષમતાઓ શું છે? લાગણીશીલ બુદ્ધિ- ક્રોધ, ઈર્ષ્યા અને તણાવને કેવી રીતે સંભાળવા?
નીતિમત્તા- વેપાર કે કરિયરમાં સફળતા મેળવતી વખતે પ્રામાણિકતા કેમ જરૂરી છે? તે જાણી તેનો અમલ કરવામાં છે.
* શિક્ષણમાં ધર્મગુરુ નહીં, પણ મેન્ટર ની જરૂર- ધર્મ જ્યારે વેપાર બને છે ત્યારે તે ભય પર ટકે છે, પણ શિક્ષણમાં જ્યારે આધ્યાત્મ આવે ત્યારે તે જિજ્ઞાસા પર ટકે છે. શાળાઓમાં એવા મનોવૈજ્ઞાનિકો અને ચિંતકો હોવા જોઈએ જે યુવાનોના તાર્કિક પ્રશ્નોના જવાબ આપી શકે. ધર્મગુરુઓના ભભકાદાર પ્રવચનોને બદલે ક્રિટીકલ થિંકિંગ પર ભાર મૂકવો જોઈએ, જેથી યુવાન પોતે જ સત્ય અને અસત્ય, અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેનો ભેદ પારખી શકે.
* જ્ઞાનને ટકાવવા માટે અનુભૂતિલક્ષી શિક્ષણ-પુસ્તકનું જ્ઞાન મગજમાં રહે છે, પણ અનુભવનું જ્ઞાન આત્મામાં ઉતરે છે.
ધ્યાન- દરરોજની ૧૦ મિનિટનું મૌન વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારે છે. સેવા કાર્ય- પુસ્તકમાં કરુણા ભણાવવા કરતા કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમની મુલાકાત વધુ અસરકારક રહે છે.
* વ્યાપારીકરણ સામેનુ શ્રેષ્ઠ રક્ષણ- જ્ઞાનની વહેંચણી, જ્યારે બાળક નાનપણથી જ સાચું તત્વજ્ઞાન શીખશે, ત્યારે તે મોટો થઈને કોઈ ધર્મના વેપારી ની જાળમાં નહીં ફસાય. શિક્ષણ તેને એ શીખવશે કે, સાચું સુખ બહારની વસ્તુઓમાં કે કોઈના આશીર્વાદમાં નથી, પણ પોતાની અંદરના સંતોષમાં છે.
આધ્યાત્મિક જ્ઞાન એ કોઈ મેમરી કાર્ડ નથી કે જેમાં ડેટા સેવ કરી શકાય. તે એક બીજ છે, જેને ઉગાડવા માટે શ્રદ્ધાની જમીન, આચરણનું પાણી અને ચિંતનનો સૂર્યપ્રકાશ જોઈએ. જ્યાં સુધી આપણે તેને માહિતી ગણવાનું બંધ કરીને અનુભૂતિ નહીં બનાવીએ, ત્યાં સુધી તે ક્ષણભંગુર જ રહેશે.
આજે આપણે આધ્યાત્મિકતા વિશે ઘણું સાંભળીએ છીએ, પણ કેટલું અનુભવીએ છીએ? માહિતીના આ યુગમાં જ્ઞાન ક્ષણભંગુર કેમ બન્યું છે, તેનું જીવનમાં ઊંડું વિશ્લેષણ જરૂરી બન્યું છે.
ધર્મનો વેપાર એ આજના પતિત સ્તરનું મુખ્ય કારણ છે, પણ ધર્મ અને ધર્મગુરુ વચ્ચેનો તફાવત સમજવો એ યુવાનોની જવાબદારી છે. જો સિસ્ટમ એવી બને કે જેમાં વ્યક્તિ પૂજા ને બદલે તત્વ પૂજા હોય, તો જ આ જ્ઞાન માનસમાં લાંબો સમય ટકી શકશે.
બાબુભાઇ મેનપરા
નિવૃત્ત અધિકારી, BSNL


