રશિયાની 17 વર્ષીય મીરા આન્દ્રિવાએ પોતાના શાનદાર પ્રદર્શનને જારી રાખીને દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્લારા ટોસનને 7-6, 6-1થી હરાવીને પોતાની કારકિર્દીનું સૌથી મોટું ટાઇટલ જીત્યું હતું.
રશિયન ખેલાડી આગામી સપ્તાહે વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ-10 ખેલાડીઓમાં સામેલ થઇ જશે. આન્દ્રિવા ડબ્લ્યૂટીએ ટૂર ટાઇટલ જીતનાર યંગેસ્ટ પ્લેયર પણ બની છે. આ પહેલાં 2007માં નિકોલ વેદિસોવાએ 17 વર્ષની વયે ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બની હતી.
આન્દ્રિવાએ ફાઇનલ સુધીની સફરમાં 2023ની વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા વોન્ડ્રોસોવા, પાંચ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન પોલેન્ડની ઇગા સ્વિયાતેક તથા 2022ની વિમ્બલ્ડન ચેમ્પિયન ઇલેના રિબાકિનાને હરાવી હતી. દુબઇ ઓપનનો ફાઇનલ મુકાબલો એક કલાક 46 મિનિટ સુધી રમાયો હતો. ટાઇબ્રેકરમાં પહોંચેલો પ્રથમ સેટ લગભગ 60 મિનિટ સુધી રમાયો હતો.


