એટ્લેટિકો મેડ્રિડના સ્ટ્રાઇકર એલેકઝાન્ડર સોર્લોર્થએ પ્રારંભિક 30 મિનિટમાં ચાર ગોલ નોંધાવવાની સાથે લા લીગા ફૂટબોલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ હેટ્રિક નોંધાવી હતી.
રિયલ સોસિદાદે સામે એટ્લેટિકોએ 4-0થી એકતરફી અંદાજમાં વિજય મેળવ્યો હતો. નોર્વેના સ્ટ્રાઇકર સોર્લોથેએ મેડ્રિડના મેટ્રોપોલિટન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચની સાતમી, 10મી તથા 11મી મિનિટે ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેણે 30મી મિનિટે પોતાનો ચોથો ગોલ પણ નોંધાવ્યો હતો. અગાઉ લા લીગામાં ફાસ્ટેસ્ટ ગોલ હેટ્રિકનો રેકોર્ડ એડમન્ડો સુઆરેઝ ડી ટ્રેબાંકોના નામે હતો જેણે 1941માં મેચની પ્રારંભિક 15 મિનિટમાં ત્રણ ગોલ નોંધાવ્યા હતા. એટ્લેટિકો મેડ્રિડ આ વિજય સાથે 35 મેચમાં 70 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે વધારે મજબૂત થયું છે. અન્ય મેચોમાં પાંચમા ક્રમાંકિત વિલારિયલે 89મી મિનિટે સબસ્ટિટયૂટ ખેલાડી એટા એયોંગે નોંધાવેલા ગોલની મદદથી ગિરોનાને 1-0ના સ્કોરથી હરાવી હતી. સેલ્ટા વિગોએ સેવિલા સામે 3-2થી તથા વેલેન્સિયાએ ગટાફે સામે 3-0થી વિજય હાંસલ કર્યા હતા. લીગમાં નવમા ક્રમે રહેલી માલોર્કાએ રિયલ વાલોડોલિડને 2-1થી હરાવીને યૂરોપિયન ક્વોલિફિકેશન માટે પોતાની આશા જીવંત રાખી હતી.


