સ્ટાર ખેલાડી એન્થોની એલાંગાના એકમાત્ર ગોલની મદદથી નોટિંગહામ ફોરેસ્ટે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડને 1-0થી હરાવીને લગભગ 45 વર્ષના લાંબા ગાળા બાદ ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવાની આશાને જીવંત રાખી હતી.
એન્થોનીએ મેચની પાંચમી મિનિટે ગોલ કર્યો હતો અને પૂરી મેચમાં આ એકમાત્ર ગોલ રહ્યો હતો. એન્થોનીએ માત્ર નવ સેકન્ડમાં 85 મીટરનું અંતર કાપીને ગોલ કર્યો હતો. યુનાઇટેડને ગોલ સરભર કરવા માટે મેચમાં 10 કોર્નર મળ્યા હતા પરંતુ તે તમામ વેડફાઇ ગયા હતા. નોટિંગહામ હવે ગુરુવારે ટોટનહામ હોટ્સપુર સામે રમશે. 1980-81 બાદ તે પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય કરે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત નોટિંગહામે 1991-92 બાદ પ્રથમ વખત યુનાઇટેડ સામે લીગ ડબલ વિજય હાંસલ કર્યો છે.
લીગની અન્ય મેચમાં આર્સનલે ફુલહામને 2-1થી પરાજય આપ્યો હતો. આ મેચમાં આર્સનલ માટે મિકેલ મિરોનોએ 37મી તથા બુકાયો સાકાએ 73મી મિનિટે અને ફુલહામ માટે રોડ્રિગો મુનિઝે 94મી મિનિટે ગોલ કર્યા હતા. પ્રીમિયર લીગના પોઇન્ટ ટેબલમાં લીવરપુલ 29 મેચમાં 70 પોઇન્ટ સાથે ટોચના ક્રમે, આર્સનલ 61 પોઇન્ટ સાથે બીજા તથા નોટિંગહામ 57 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. વુલ્વસ ટીમે વેસ્ટ હામ સામે 1-0થી વિજય હાંસલ કર્યો હતો. લીગમાં ટોચની પાંચ ટીમો ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થાય છે.


