દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલરના હોમ ગ્રાઉન્ડ ઉપરની છેલ્લી મેચમાં વિજય સાથે બાયર્ન મ્યૂનિચે બુંદેશ લીગા (જર્મનીની ટોચની ફૂટબોલ લીગ) ટાઇટલ જીતવાની ઉજવણી કરી હતી.
મ્યૂનિચની ટીમે બોરુસિયા મોનચેંગ્લાદબાક સામે 2-0થી વિજય મેળવ્યો હતો. સુકાની મેનુઅલ નેયુરે ટ્રોફી ઊંચક્યા બાદ તેણે જર્મનીના 35 વર્ષીય મિડફિલ્ડર મૂલરને સોંપી દીધી હતી. બાયર્ન મ્યૂનિચની ટીમ 43 વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી અને તેણે વિક્રમી 33 વખત આ ટાઇટલ જીત્યું છે અને 10 વખત તે રનર્સ-અપ બની હતી. બાયર્ન મ્યૂનિચના હોમગ્રાઉન્ડમાં જ્યારે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની હેરી કેને આ ટ્રોફી ઊંચકી ત્યારે તે લાગણીવશ બન્યો હતો. લગભગ 700 પ્રોફેશનલ મેચો રમ્યા બાદ હેરી કેન ઘણી વખત ચેમ્પિયન્સ લીગ, લીગ કપ તથા અન્ય ચેમ્પિયનશિફની ટ્રોફીની નજીક પહોંચ્યા બાદ તેને ઊંચકવાથી વંચિત રહ્યો હતો. બાયર્ન મ્યૂનિચે ગયા સપ્તાહે જ બુંદેશ લીગાની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. હેરી કેને મેચની 31મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. તે 25 ગોલ સાથે લીગમાં સર્વાધિક ગોલ કરનાર ફૂટબોલર બન્યો હતો.માઇકલ ઓલિસે 90મી મિનિટે ટીમ માટે બીજો અને અંતિમ ગોલ કર્યો હતો. બીજી તરફ સાતમી વખત ફાઇનલમાં પહોંચનાર તથા પાંચ વખતની ચેમ્પિયન બની ચૂકેલી મોનચેંગ્લાદબાકની ટીમ 48 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી હતી. તે છેલ્લે 1977-78માં ફાઇનલ રમી હતી.


