વિશ્વની ટોપ-10 મહિલા ખેલાડીઓમાં સામેલ કેટલીક ખેલાડીઓએ દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિવિધ પરિણામ મેળવ્યા હતા.
બીજી ક્રમાંકિત ઇગા સ્વિયાતેક, છઠ્ઠી ક્રમાંકિત ઇલેના રિબાકિના તથા સોફિયા કેનિને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. પાંચમી ક્રમાંકિત અમેરિકાની જેસિકા પેગુલા તથા ચોથી ક્રમાંકિત જાસ્મિન પાઓલિનીનો પરાજય થયો હતો. કારકિર્દીમાં ત્રણ ફ્રેન્ચ ઓપન સહિત પાંચ ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલી પોલેન્ડની સ્વિયાતેકે ડારિયા યાસ્ત્રેમસ્કાને 7-5, 6-0થી હરાવી હતી. છઠ્ઠી ક્રમાંકિત રિબાકિનાએ પાઉલા બડોસા સામેની મેચ બે વખત ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 4-6, 7-6 (10-8), 7-6 (7-2)થી હરાવી હતી. ચીનની યુવા ખેલાડી તથા સાતમી ક્રમાંકિત કિનવેન ઝેંગનો પેટોન સ્ટર્ન્સ સામે 6-3, 4-6, 4-6થી પરાજય થયો હતો. જેસિકા પેગુલાનો લિન્ડા નોસ્કોવા સામે 6-3, 7-6 (10-3) પરાજય થયો હતો. આઠમી ક્રમાંકિત ઇમા નવારોએ સ્વિસ ખેલાડી બેલિન્ડા બેનકિચ સામે 6-7 (6-8), 6-2, 3-6થી, સોરેને ક્રિસ્ટયૂનો એલિસન પાર્ક્સ સામે 3-6,6-4, 6-1થી તથા 12મી ક્રમાંકિત મિરા આન્દ્રિવાનો માર્કેટા વોન્ડ્રોસોવા સામે 7-5, 6-0થી વિજય થયો હતો.


