ગુજરાત ટાઇટન્સ તથા ભારતીય ટીમના પેસ બોલર મોહમ્મદ સિરાજે આઇપીએલની આગામી સિઝનમાં લાળના ઉપયોગ ઉપરના પ્રતિબંધને રદ કરવાના નિર્ણયને આવકારીને જણાવ્યું હતું કે બોલર્સ મેચની શરૂઆતમાં પણ રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળશે. બોલર્સ ખાસ કરીને પેસર્સ માટે આ આનંદના સમાચાર છે. બોલ ઉપર લાળ લગાવવાના કારણે બોલને કેટલાક અંશે રિવર્સ સ્વિંગ કરવાની તક વધી જશે. જર્સી ઉપર બોલને ઘસવાના કારણે વધારે મદદ મળતી નથી પરંતુ લાળ દ્વારા બોલને એકતરફ ચમકતો રાખી શકાય છે અને આ મહત્ત્વપૂર્ણ બાબત છે.
ગયા વર્ષે યોજાયેલી મેગા હરાજી પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા રિલીઝ કરાયા બાદ ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદવામાં આવેલા સિરાજે જણાવ્યું હતું કે નવા સુકાની શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ રમવા માટે હું ઉત્સાહિત થયો છું. નવી સિઝન પહેલાં શાનદાર લાગણી થઇ રહી છે. આરસીબીથી છૂટા પડવાનો અફસોસ છે કારણ કે વિરાટ કોહલીએ કપરા સમયમાં મને સતત પ્રોત્સાહિત કર્યો હતો પરંતુ હવે ગિલના નેતૃત્વમાં ગુજરાત પાસે મજબૂત ટીમ છે. ગિલ બોલર્સનો કેપ્ટન છે. તે ક્યારેય બોલર્સના અખતરા કે પ્લાન વચ્ચે અંતરાય બનતો નથી. અમે બંનેએ સાથે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો અને અમારા બંને વચ્ચે સારી મિત્રતા છે.


