મુકાબલામાં બે વખત પાછળ રહ્યા બાદ રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના પ્લે ઓફ્ મુકાબલામાં માન્ચેસ્ટર સિટીને 3-2થી પરાજય આપ્યો હતો.
જૂડ બેલિંગહામે સ્ટોપેજ ટાઇમમાં નિર્ણાયક ગોલ કર્યો હતો.બીજી તરફ્ ઓલ ફ્રેન્ચ મુકાબલામાં પેરિસ સેન્ટ જર્મેને બ્રેસ્ટ સામે વિજય મેળવ્યો હતો. ઇલિંગ હાલેન્ડે 19મી મિનિટે સિટી માટે ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો. હાફ્ટાઇમ સુધી આ સ્કોર જળવાઈ રહ્યો હતો. કિલિયન મબાપેએ 60મી મિનિટે ગોલ કરીને મેડ્રિડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. હાલેન્ડે 80મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. ડિયાઝે 86મી મિનિટે ગોલ કરીને 2-2ના સ્કોર સાથે મેડ્રિડને ફરીથી રમતમાં પાછી લાવી દીધી હતી. ત્યારબાદ જૂડ બેલિંગહામે મેચ બાદના એક્સ્ટ્રા ટાઇમની બીજી અને કુલ 92મી મિનિટે ગોલ કરીને રિયલ મેડ્રિડનો 3-2થી વિજય નિશ્ચીત કર્યો હતો. બંને ટીમ છેલ્લી ચાર સિઝનમાં ચોથી વખત નોકઆઉટમાં આમનેસામને થઈ છે અને આ ચારમાંથી ત્રણ વખત મેચ જીતનાર રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગમાં વિજેતા પણ બની હતી.
ઓસમાને ડેમ્બેલે મેચમાં બેવખત ગોલ નોંધાવતા પીએસજીએ બ્રેસ્ટને 3-0થી પરાજય આપ્યો હતો. ડેમ્બેલે તેની છેલ્લી 11 મેચમાં 18 ગોલ નોંધાવ્યા છે. તુરીન ખાતે રમાયેલી અન્ય એક મેચમાં જુવેન્ટ્સે પીએસવી ઇન્ડહોવેનને 2-1થી હરાવી હતી. સમ્યુઅલ મબાગુંલાએ 82મી મિનિટે મેચ વિનિંગ ગોલ નોંધાવ્યો હતો.


