ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ભારતની પીવી સિંધુ સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કની જૂલી જેકોબસેન સામે પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી.
પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ સિંધુ ઘણી નિરાશ જણાતી હતી અને તેણે ગુસ્સામાં આવીને પોતાનું રેકેટ પણ ફેંકી દીધું હતું. ડેનમાર્કની નીચલા રેન્કિંગવાળી જૂલી સામે સીધી ગેમમાં હાર્યા બાદ હૈદરાબાદી શટલર કેટલાક નિર્ણય અંગે નારાજ જણાતી હતી જે તેની વિરુદ્ધમાં અપાયા હતા. 61 મિનિટ સુધી રમાયેલી મેચમાં સિંધુનો 21-17, 21-19ના સ્કોરથી પરાજય થયો હતો. સિંધુ ચાલુ વર્ષે સતત ત્રીજી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ છે.
મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે બીડબ્લ્યૂએફ સુપર 300 ટૂર્નામેન્ટમાં પોતાના પ્રારંભિક મુકાબલામાં ભારતના જ અન્ય ખેલાડી એચએસ પ્રણોયને 23-21, 23-21ના સ્કોરથી હરાવ્યો હતો. ક્વોલિફાયર શંકરે મેગ્નસ જોહાનસન સામે 21-5, 21-16ના સ્કોરથી વિજય હાંસલ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની 23મી ક્રમાંકિત માલવિકા બંસોડના અભિયાનનો પણ અંત આવ્યો હતો. 23 વર્ષીય માલવિકાએ પ્રથમ ગેમ જીત્યા બાદ રિધમ ગુમાવી દીધી હતી અને 65 મિનિટ સુધી રમાયેલી મેચમાં કેનેડાની મિચેલ લી સામે તેનો 22-20, 14-20, 19-21ના સ્કોરથી પરાજય થયો હતો. અનુપમા ઉપાધ્યાયે અનમોલ ખરબને 21-14, 21-13ના સ્કોરથી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.


