સ્પેનના સ્ટાર ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, આર્યના સબાલેન્કો, મેડિસન કિસ તથા કોકો ગોફ સહિત કેટલાક સ્ટાર ખેલાડીઓએ પોતાના અભિયાનને આગળ વધારીને ઇન્ડિયાના વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના રાઉન્ડ-16માં પ્રવેશ કરી લીધો હતો.
અલ્કારાઝે ડેનિસ શાપાલોવને કોઇ પણ મુશ્કેલી વિના 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. અલ્કારાઝ સતત ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીતીને રોજર ફેડરર અને નોવાક જોકોવિચની ઇલિટ ક્લબમાં સામેલ થવાનો પ્રયાસ કરશે. 2022ના ચેમ્પિયન ટેલર ફિત્ઝે ચિલીના એલેજાન્ડ્રો ટાબિલોને 4-6, 6-3, 6-1થી હરાવ્યો હતો. ફ્રાન્સિસ્કો કેરુનડોલોએ બોટિક વાન ડી ઝેન્ડસ્ક્લપને 6-3, 6-4થી હરાવ્યો હતો. ભારે પવનન વચ્ચે વિશ્વની પ્રથમ ક્રમાંકિત આર્યના સબાલેન્કોએ લ્યુસિયા બ્રોન્ઝેટીને 6-1, 6-2થી, મેડિસન કિસે ઇલિસ મર્ટેન્સ સામેનો મુકાબલો બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-2, 6-7 (8-10), 6-4થી જીત્યો હતો. કોકો ગોફે તેની શક્તિશાળી રમતનું પ્રદર્શન કરીને મારિયા સક્કારીને 7-6 (7-1), 6-2થી પરાજય આપ્યો હતો. ચાર મેચ પોઇન્ટ વેડફી નાખ્યા બાદ મેડિસન કીસે બે કલાક 48 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ મેચ જીતી હતી.


