ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનનો 2025ની 14મી માર્ચથી થશે અને તમામ ફ્રેન્ચાઇઝીઓને આ બાબતની જાણકારી આપી દેવામાં આવી છે. વિશ્વની સૌથી ધનાઢય ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગની 18મી સિઝનની ફાઇનલ 25મી મેએ રમાશે. વેન્યૂની જાહેરાત કરવાની બાકી છે પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ 2024ની સિઝનમાં ચેમ્પિયન બની હોવાના કારણે ઓપનિંગ અથવા ફાઇનલ મુકાબલો ઇડન ગાર્ડન્સમાં રમાય તેવી સંભાવના છે. જાણકારીના અનુસાર 2026ની સિઝન 15મી માર્ચથી 31મી મેની વચ્ચે તથા 2027ની સિઝન 14મી માર્ચથી 30મી મેચની વચ્ચે રમાડવામાં આવી શકે છે.
ફ્રેન્ચાઇઝી ટીમોને મોકલવામાં આવેલા ઇ-મેલમાં બોર્ડે આગામી ત્રણ સિઝનની તારીખોની જાણકારી આપી છે અને આ કારણથી ટીમોને 24મી અને 25મીએ યોજાનારી મેગા હરાજી વખતે આગામી ત્રણ સિઝનની રણનીતિ તૈયાર કરવામાં મદદ મળશે. ત્રણેય સિઝનની ફાઇનલ રવિવારે રમાશે. 2025માં છેલ્લી સિઝનની જેમ 74 મેચો રમાશે. આ સંખ્યા 2022માં રમાયેલી 84 મેચોથી 10 મેચો ઓછી છે. આઇપીએલ 2023-27 સુધીના મીડિયા અધિકારી વેચી નાખવામાં આવ્યા છે. તમામ સભ્ય બોર્ડે બીસીસીઆઇને આગામી ત્રણેય સિઝન માટે પોતાના ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે ખાતરી આપી છે જેના કારણે તમામ 10 ફ્રેન્ચાઈઝીને ઘણો ફાયદો થશે.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન બોર્ડે તેના તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ખેલાડીઓને 2025ની સિઝનમાં રમવા માટે એનઓસી આપી દીધું છે. ઇંગ્લેન્ડે પણ પોતાના 18 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓની યાદી બોર્ડને આપી છે અને આ ખેલાડીઓ ત્રણેય સિઝન માટે ઉપલબ્ધ રહેશે. શ્રીલંકા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે તથા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે પણ પોતાના ખેલાડીઓને મંજૂરી આપી છે. આઇપીએલમાં પાકિસ્તાન સામેલ નથી જેના ખેલાડીઓને 2011 બાદ લીગમાં રમવાની તક મળી નથી.