ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે આઇસીસી પ્રમુખનો હોદ્દો સંભાળનાર જય શાહે 2032 બ્રિસબેન ઓલિમ્પિક આયોજન સમિતિના ટોચના અધિકારીઓની મુલાકાત લીધી હતી અને સમર ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની સંભાવના અંગે વાટાઘાટ કરી હતી. ક્રિકેટ 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પુનરાગમન કરશે જે 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિકનો હિસ્સો છે.
બ્રિસબેન 2032માં ક્રિકેટને સામેલ કરવામાં આવશે તે અંગે હજુ કોઇ સમર્થન મળ્યું હતું. જય શાહે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ઓલિમ્પિક આંદોલનમાં ક્રિકેટની ભાગીદારી અંગે રોમાંચક સમય છે. આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ખાતે બ્રિસબેન 2032 આયોજન સમિતિ સાથે બેઠક થઇ હતી.જય શાહ સાથેની બેઠકમાં બ્રિસબેન 2032 આયોજન સમિતિના પ્રમુખ સિન્ડી હુક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ નિક હોકલેએ ભાગ લીધો હતો. બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારથી બ્રિસબેનના ગાબામાં રમાનારી ત્રીજી ટેસ્ટને નિહાળશે તેવી સંભાવના છે. આઇસીસી પ્રમુખ તરીકે જય શાહની તાત્કાલિક પ્રાથમિકતા ફેબ્રુઆરી અને માર્ચમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગેના સમાધાનનો માર્ગ શોધવાની છે.


