બ્રાઝિલનો ટીનએજર જોઆઓ ફોન્સેકા એટીપી ટૂરના ઇતિહાસમાં 10મો યંગેસ્ટ ચેમ્પિયન બન્યો છે.
તેણે આર્જેન્ટિના ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાનિક ખેલાડી ફ્રાન્સિસ્કો સેરુંડોલોને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. વિશ્વમાં 99મા ક્રમાંકિત તથા પોતાની પ્રથમ ટૂર લેવલની ફાઇનલ રમી રહેલા 18 વર્ષીય જોઆઓએ પોતાના 28મા ક્રમાંકિત હરીફને બીજો સેટ ટાઈબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-4, 7-6 (7-1)થી હરાવ્યો હતો. જોઆઓ 2024 એટીપી નેક્સ્ટજેન ચેમ્પિયન સાઉથ અમેરિકાનો યંગેસ્ટ મેન્સ પ્લેયર બની ગયો છે. તે નવી રેન્કિંગમાં 68મા ક્રમાંકે પહોંચી જશે. રોમાંચક બનેલી ફાઇનલ બે કલાક 54 મિનિટ સુધી રમાઇ હતી. જોઆઓએ ફાઇનલ સુધીની સફરમાં આર્જેન્ટિનાના ચાર ખેલાડીઓને પરાજય આપીને તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે જાન્યુઆરીમાં રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં ટોપ-10માં સામેલ આન્દ્રે રુબલેવને પરાજય આપીને સનસનાટી મચાવી હતી.


