એમેક્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં બ્રાઇટને 3-0થી વિજય હાંસલ કરતાં ચેલ્સીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં પોતાના ફૂટબોલ ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે.
રિધમવિહોમી ચેલ્સીની ટીમ ટાર્ગેટ ઉપર એક પણ શોટ મારી શકી નહોતી. સપ્તાહની અંદર તેનો આ બીજો શરમજનક પરાજય છે. ગયા સપ્તાહે બ્રાઇટને જ એફએ કપ ફૂટબોલની મેચમાં ચેલ્સીને 2-1થી પરાજય આપ્યો હતો. બ્રાઈટન માટે કાઓરુ મિતોમાએ 27મી મિનિટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. યાનકુબા મિન્તેહે 38મી અને 63મી મિનિટે એક-એક ગોલ નોંધાવીને ટીમનો એકતરફી અંદાજમાં વિજય નિશ્ચિત કર્યો હતો. તમામ લીગમાં ચેલ્સીનો છેલ્લી ચાર મેચમાં ત્રીજો પરાજય થયો છે.
લીગમાં એવરટન અને લિવરપૂલનો મુકાબલો ભારે રસાકસી બાદ 2-2થી ડ્રો રહ્યો હતો. બંને ટીમના એક-એક ખેલાડીને રેડ કાર્ડ મળ્યું હતું. એવરટન માટે બેટોએ 11મી તથા જેમ્સ ટાર્કોવસ્કીએ મેચની કુલ 98મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. લિવરપૂલ માટે એલેક્સિ મેક એલિસ્ટરે 16મી તથા મોહમ્મદ સાલાહે 73મી મિનિટે ગોલ કર્યા હતા. ઇવેરટનના એબ્ડોયુલાયેને મેચ બાદની પ્રથમ 15 મિનિટના એક્સ્ટ્રા ટાઇમની 14મી મિનિટે તથા લિવરપૂલના કર્ટિસ જોન્સને મેચ બાદના એક્સ્ટ્રા ટાઇમની 13મી મિનિટે રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. લિવરપૂલ 24 મેચમાં 57 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ચેલ્સી 25 મેચમાં 43 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.


