ઇંગ્લેન્ડના પેસ બોલર ગસ એટકિન્સને હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે શનિવારે એક વિશેષ રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડની ત્રણ વિકેટ ઝડપવાની સાથે એક જ કેલેન્ડર વર્ષ 2024માં 51 વિકેટ પૂરી કરી હતી. આ પહેલાં 1981માં ઓસ્ટ્રેલિયાના ટેરી એલ્ડરમેને પોતાની કારકિર્દીના પ્રથમ વર્ષમાં જ 54 વિકેટ ઝડપી હતી. એટકિન્સને વિન્ડીઝના કર્ટલી એમ્બ્રોસ (49 વિકેટ, 1988) તથા જસપ્રીત બુમરાહ (48 વિકેટ, 2018)ને પાછળ રાખી દીધા છે.એટકિન્સન પહેલાં એક જ કેલેન્ડર વર્ષમાં 50 ટેસ્ટ વિકેટ હાંસલ કરનાર છેલ્લો ઇંગ્લિશ બોલર જેમ્સ એન્ડરસન હતો જેણે 2017માં 55 વિકેટ ખેરવી હતી.
સેડોન પાર્ક ખાતે હેમિલ્ટન ટેસ્ટના પ્રથમ દિવસે સુકાની ટોમ લાથામ (63) અને વિલ યંગે (42) પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવીને શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ એટકિન્સને કિવિ ટીમની બેટિંગને વિખેરી નાખી હતી. સ્ટમ્પના સમયે મિચેલ સાન્તેનર 50 રન બનાવીને રમી રહ્યો હતો. કારકિર્દીની છેલ્લી ટેસ્ટ રમી રહેલા ટિમ સાઉથીએ 23 રનનું યોગદાન આપ્યું હતું.


