ભારતીય ક્રિકેટ ટીમ માટે 2024નું વર્ષ ચડ-ઉતર વાળું રહ્યું છે અને 2025માં પણ ટીમ ઇન્ડિયાનો ભરચક ક્રિકેટ કાર્યક્રમ છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચ સાથે ટીમ ઇન્ડિયા વર્ષ 2025ના ક્રિકેટ વર્ષનો પ્રારંભ કરશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો આગામી 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ભારત માટે આ મેચ કરો અથવા મરોની સ્થિતિ ધરાવતો રહેશે કારણ કે તેની પાસે આ ટ્રોફીને જાળવી રાખવાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવા માટે પોતાની સંભાવનાઓ જીવંત રાખવાની તક રહેશે. ભારત તે ઉપરાંત ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે લિમિટેડ ઓવર્સની સીરીઝ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પાંચ ટી-20 અને ત્રણ વનડે મેચની સીરીઝ રમાશે. તે બાદ ભારતીય ટીમ વનડે ફોર્મેટમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. ભારતીય બોર્ડે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કરતા તેની મેચો દુબઇમાં રમાશે. ભારત છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટેરફી જીત્યું હતું અને 2017માં તેનો ફાઇનલમાં પાકિસ્તાન સામે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે કપરા ચઢાણ છે જોકે હજુ સુધી ફાઇનલના દરવાજા બંધ થયા નથી. જો ભારત પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સામેની બે મેચની સીરીઝમાં જીતી ન શકે. આવી સ્થિતિમાં ભારત ફાઇનલમાં પહોંચી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જૂનમાં 11થી 15 જૂન વચ્ચે લંડનમાં રમાશે.
ઓસી.સામે વનડે સિરીઝ રમવાની છે
2025ના અંતમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ રમશે. ટીમ હવે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે નવેમ્બરમાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચની સીરીઝ રમશે. તે બાદ નવેમ્બર ડિસેમ્બરમાં ભાર દક્ષિણ આફ્રીકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચની સીરીઝ રમશે.
ભારત ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ પ્રવાસે જશે
ટીમ ઇન્ડિયા જૂનથી ઓગસ્ટ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે બ્રિટન પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ 2025માં ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડનો પડકાર રહેશે. બંને ટીમો 20 જૂનથી ચાર ઓગસ્ટની વચ્ચે ટેસ્ટ સીરીઝ રમશે જે 2025-27ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ રહેશે. ઇંગ્લેન્ડ બાદ ભારત ઓગસ્ટમાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ માટે બાંગ્લાદેશ પ્રવાસે જશે. જેની તારીખ જાહેર કરાઇ નથી.
વિન્ડીઝની યજમાની અને એશિયા કપ
બાંગ્લાદેશ પ્રવાસ બાદ ભારત બે મેચોની ટેસ્ટ સીરીઝ માટે વિન્ડીઝની યજમાની કરશે. તે સીરીઝની તારીખો પણ હજુ જાહેરકરાઇ નથી પરંતુ તે ઓક્ટોબરમાં રમાશે. વિન્ડીઝ સીરીઝ બાદ ટીમ ટી-20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપમાં ભાગ લેશે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થશે, જેમાં છ ટીમો ભાગ લેશે.ગત ચેમ્પિયન ભારત માટે પોતાનો ખિતાબ જીતાડવાનો પડકાર રહેશે.


