ચેન્નાઇ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે જો તે સ્ટમ્પ પાછળની જવાબદારી અદા નહીં કરે તો તે મેદાનમાં પોતાની જાતને બેકાર સમજશે કારણ કે વિકેટકીપિંગ કરતી વખતે તે રમતને ઘણી સારી રીતે સમજી શકે છે.
43 વર્ષીય ધોની સીએસકે માટે વિકેટકીપિંગ કરતો રહેશે કારણ કે ફ્રેન્ચાઈઝીએ આ અનુભવી ખેલાડી ઉપર પોતાનો ભરોસો જાળવી રાખ્યો છે. ધોની આઇપીએલની શરૂઆતથી જ સીએસકે સાથે છે. માત્ર બે સિઝનમાં ટીમને ટૂર્નામેન્ટમાંથી સસ્પેન્ડ કરવામાં આવી ત્યારે તે બીજી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હતો. તેણે ટીમને પાંચ ટાઇટલ જીતાડવા ઉપરાંત 10 વખત ફાઇનલમાં પહોંચાડી હતી.
ધોનીએ જણાવ્યું હતું કે જો હું વિકેટકીપિંગ નહીં કરું તો મને લાગે છે કે હું મેદાનમાં બેકાર થઈ ગયો છું કારણ કે આ સ્થાનેથી હું રમતને વધારે સારી રીતે સમજી શકું છું. આ એક પડકાર છે. મારી ફ્રેન્ચાઇઝી હું ઇચ્છું ત્યાં સુધી મને રમવાની મંજૂરી આપે તેવી છે. હું ક્રિકેટનો આનંદ માણું છું તેથી એક વર્ષમાં એક જ વખત રમીશ.
ઋતુરાજ ગાયકવાડને સુકાનીપદ સોંપવાના સંદર્ભમાં ધોનીએ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે હું નિર્ણયો લઈ રહ્યો છું પરંતુ વાસ્તવિકતા એ છે કે 99 ટકા નિર્ણય ઋતુરાજે લીધા હતા. બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ સેટિંગ સહિત વિવિધ નિર્ણય તેના હતા. હું તેને માત્ર મદદ કરી રહ્યો હતો. તેણે ખેલાડીઓ માટે પ્રેરણાદાયી નેતૃત્વ કર્યું છે. ધોનીએ આઈપીએલમાં 265 મેચો રમી છે અને 24 અડધી સદી વડે 5,243 રન બનાવ્યા છે.


