આઇપીએલ 2025ની સિઝન પહેલાં રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમસને જણાવ્યું હતું કે મારા નજીકના મિત્ર વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને જવા દેવાની બાબત મારા માટે સૌથી મુશ્કેલ હતી.
મારી પાસે આઇપીએલમાં કોઈ નિયમ બદલવાની શક્તિ હોત તો મેં ક્યારેય ખેલાડીઓને રિલીઝ થવા દીધા ના હોત. રાજસ્થાન રોયલ્સે આઇપીએલની મેગા હરાજી પહેલાં સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ તથા શિમરોન હેતમાયરને રિટેન કર્યા હતા. બટલરને રિટેન કરવા માટે તેમની પાસે કોઈ સ્લોટ નહોતો. બટલર હવે 22મી માર્ચથી રમાનારી આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે રમશે.
સંજુ સેમસને જણાવ્યું હતું કે આઇપીએલ તમને એક ટીમનું નેતૃત્વ કરવા તથા ઉચ્ચ સ્તરે રમવાની તક આપે છે પરંતુ લીગ તમને ઘનિષ્ઠ મિત્રતા કરવાની પણ તક આપે છે. બટલર મારો નજીકનો મિત્ર છે અને અમે સાત વર્ષ સુધી સાથે રમ્યા હતા. અમે એકબીજાને ઘણી સારી રીતે જાણીએ છીએ અને હંમેશાં સંપર્કમાં રહેતા હતા. તે મારા માટે મોટાભાઈ સમાન હતો. ટીમનું નેતૃત્વ કરવામાં બટલરે મારી ભૂમિકાને વધારે મોટી બનાવી દીધી છે. તેને રિલીઝ કરવો તે મારા માટે સૌથી મોટા પડકાર સમાન હતો. જો હું આઇપીએલમાં એક બાબતને બદલી શકતો હોવ તો હું ખેલાડીઓને રિલીઝ કરવાના નિયમને પહેલો બદલી નાખીશ.


