રશિયાની સગીર ખેલાડી મીરા એન્દ્રીવાએ ગત ચેમ્પિયન ઇગા સ્વિયાતેકની ત્રીજીવાર ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટાઇટલ જીતવાનું સ્વપ્ન રોળી નાખતા તેને સેમિફાઇનલ મેચમાં 7-6 (1), 1-6, 6-3થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
17 વર્ષીય મીરાએ સ્વિયાતેકની ઇન્ડિયન વેલ્સમાં સતત 10 મેચ જીતવાની લયને તોડી નાખી હતી અને સાથે જ ઇગા સામે ત્રણ સપ્તાહમાં બીજીવાર જીત મેળવી હતી. રવિવારે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં મીરા ટૂર્નામેન્ટની અત્યારસુધીની સૌથી યુવા ફાઇનલિસ્ટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં સૌથી યુવા ખેલાડી કિમ ક્લાઇસ્ટર્સ હતી. સ્વિયાતેકએ મેચનો પ્રારંભ એકદમ મજબૂત રીતે કર્યો હતો અને પહેલો સેટ ટાઇબ્રેકરમાં પહોંચાડયો હતો જ્યારે બીજા સેટમાં જીત મેળવી હતી. જોકે,ત્રીજા સેટમાં તે અપેક્ષા અનુસાર દેખાવ નહીં કરી શકતા તેનો પરાજય થયો હતો.
દરમિયાન અન્ય સેમી ફાઇનલ મુકાબલામાં વિશ્વની નંબર એક ખેલાડી આયર્ના સબાલેન્કાએ અમેરિકાની મેડિસન કીસને સીધા સેટમાં 6-0,6-1થી પરાજીત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં વિશ્વની પાંચમા નંબરની ખેલાડી મેડિસન સામે મળેલા પરાજયનો બદલો વાળી લીધો હતો. સબાલેન્કાએ પોતાની હરીફને માત્ર 51 મિનિટ ચાલેલી મેચમાં જ બહારનો રસ્તો બતાવી દીધો હતો. હવે સબાલેન્કાનો મુકાબલો રશિયાની એન્દ્રીવા સામે થશે.


