લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં યોજાનારી T20 મેચ ઘન ધુમ્મસને કારણે રદ કરવી પડી હતી. મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સ માટે આ મોટો ઝટકો સાબિત થયો હતો. દૃશ્યતા ખૂબ ઓછી હોવાથી અમ્પાયરોને મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો, જેના કારણે BCCI પર બેદરકારીના આરોપો લાગ્યા હતા.
વાતાવરણમાં ધ્યાન આપવામાં ન આવ્યું : BCCIના ઉપપ્રમુખ
આ ઘટના બાદ હવે BCCIએ પોતાનો પહેલો સત્તાવાર જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતાં BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્વીકાર્યું કે મેચનું આયોજન કરતી વખતે હવામાન પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં શિયાળાના સમયમાં ધુમ્મસ અને પ્રદૂષણ ગંભીર સમસ્યા બની જાય છે, જેને ધ્યાનમાં રાખીને હવે ભવિષ્યની મેચોનું આયોજન કરવામાં આવશે.
31 દિવસ માટે મેચ શેડ્યૂલમાં ફેરફાર
રાજીવ શુક્લાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે યોજાનારી ટીમ ઈન્ડિયાની મેચો હવે ઉત્તર ભારતને બદલે પશ્ચિમ ભારતના મેદાનો પર યોજવાની ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં ભારે ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણના કારણે મેચ પર અસર થવાની શક્યતા રહે છે, જે ક્રિકેટ માટે અનુકૂળ નથી. તેમણે કહ્યું, “ધુમ્મસને કારણે મેચ રદ કરવી પડી અને ચાહકો ખૂબ ગુસ્સે હતા. હવે અમે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે મેચો ક્યાં યોજવી તે અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. ઉત્તર ભારતને બદલે પશ્ચિમ ભારતમાં મેચો ખસેડવાનો વિકલ્પ ચર્ચામાં છે.”
ફેન્સને પૂરું રિફંડ કેમ નહીં?
લખનૌ T20 રદ થવાને કારણે સૌથી વધુ નુકસાન ફેન્સને થયું છે. ઘણા લોકોએ હજારો રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદી હતી, પરંતુ તેમને સંપૂર્ણ રિફંડ મળશે નહીં. BCCI અને ટિકિટિંગ એજન્સીની નીતિ મુજબ, બુકિંગ ફી કાપીને જ રિફંડ આપવામાં આવશે, જેના કારણે પણ ચાહકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે.
ટીમ ઈન્ડિયાને પણ થયું નુકસાન
મેચ રદ થવાને કારણે ટીમ ઈન્ડિયાની રણનીતિ પર પણ અસર પડી છે. ભારતીય ટીમ T20 શ્રેણીમાં હાલ 2-1થી આગળ છે. જો લખનૌમાં મેચ રમાઈ હોત અને ભારત જીત્યું હોત, તો શ્રેણી ત્યાં જ પોતાના નામે કરી શકાત. હવે ભારતને શ્રેણી જીતવા માટે અમદાવાદમાં યોજાનારી પાંચમી અને અંતિમ T20 મેચ જીતવી ફરજિયાત બની ગઈ છે.


