નેપોલીએ સિરી-એ ફૂટબોલ લીગમાં ટોચના ક્રમે રહેલી એસી મિલાનને 2-1થી હરાવીને ટાઇટલની રેસને વધારે રસપ્રદ બનાવી છે. એન્ટોનિયો કોન્ટેની ટીમે માતિયો પોલિટાનોના શાનદાર ગોલની મદદથી મેચની બીજી જ મિનિટે લીડ મેળવી લીધી હતી. કારકિર્દીમાં 400મો ગોલ નોંધાવનાર રોમેલુ લુકાકુએ 19મી મિનિટે ગોલ કરીને નેપોલી માટે સ્કોર 2-0નો કર્યો હતો. એસી મિલાન માટે લુકા જોવિચે 84મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કર્યું હતું.
31 વર્ષીય લુકાકુએ બેલ્જિયમ માટે 88, એવરટન માટે 87, ઇન્ટર મિલાન માટે 78, માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 42, એન્ડરલેચ માટે 41, રોમા માટે 21, ચેલ્સી માટે 15, વેસ્ટ બ્રોમવિચ આલ્બીઓન માટે 17 તથા નેપોલી માટે 11 ગોલ નોેંધાયા છે. લુકાકુ વર્તમાન સિઝનમાં 30 મેચ રમ્યો છે અને તેણે 11 ગોલ કરવા ઉપરાંત નવ વખત સાથી ખેલાડીઓને આસિસ્ટ કર્યું છે. અન્ય મેચમાં ઇન્ટર મિલાને ઉડિનેસ સામે 2-1થી તથા ફિઓરેન્ટિનાએ એટલાન્ટા સામે 1-0થી વિજય હાંસલ કર્યો હતો. નેપોલી આગામી સપ્તાહે ચોથા ક્રમે રહેલી બોલોગ્ના સામે ટકરાશે અને આ અંતિમ-8 લીગ મેચોમાંનો એકમાત્ર મુકાબલો છે. એસી મિલાન હવે બુધવારે ઇટાલિયન કપની સેમિફાઇનલના પ્રથમ તબક્કાની મેચમાં ઇન્ટર મિલાનનો સામનો કર્યા બાદ સપ્તાહના અંતે ફિઓરેન્ટિના સામે રમશે.


