પેરિસ સેન્ટ જર્મેન સામે 4-2થી પરાજય થયા બાદ માન્ચેસ્ટર સિટી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. બે ગોલની લીડ લીધા બાદ માન્ચેસ્ટર સિટી પ્રારંભિક સફળતાનો ફાયદો ઉઠાવી શકી નહોતી. પીએસજીએ વળતો પ્રહાર કરીને મહત્ત્વપૂર્ણ વિજય હાંસલ કર્યો હતો.
બીજી તરફ રિયલ મેડ્રિડે સાલ્ઝબર્ગને 5-1થી હરાવીને નોકઆઉટ તબક્કામાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. લીગમાં ટોચની 24 ટીમો આગામી તબક્કા માટે ક્વોલિફાય થાય છે અને માન્ચેસ્ટર સિટી હાલમાં 25મા ક્રમે છે. તે જો પોતાની છેલ્લી ગ્રૂપ મેચમાં ક્લબ બ્રૂગેને હરાવે તો નોકઆઉટમાં પ્રવેશી શકે છે. પીએસજી 22મા ક્રમે છે અને તેનો છેલ્લો મુકાબલો 24મા ક્રમાંકે રહેલી સ્ટુટગાર્ટ સામે થશે. આર્સનલ અને ઇન્ટર મિલાને પોતપોતાના મુકાબલા જીતીને ત્રીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે.
એસી મિલાને ગિરોનાને 1-0થી હરાવીને છઠ્ઠું સ્થાન હાંસલ કર્યું હતું. ફેયનૂર્ડ સામે 3-0થી પરાજય થવાના કારણે બાયર્ન મ્યૂનિચ 15મા ક્રમે સરકી ગયું છે. ટોપ-24માં ટોચની આઠ ટીમો રાઉન્ડ ઓફ 16 માટે સીધું ક્વોલિફાય કરશે. નવમાથી 24મા ક્રમાંક સુધીની ટીમો નોકઆઉટ પ્લે ઓફમાં રમશે. સ્વિર્ટ્ઝલેન્ડના નિયોન ખાતે 31મી જાન્યુઆરીએ યુઇએફએના હેડક્વાર્ટર ખાતે પ્લે ઓફના ડ્રો થશે.
માન્ચેસ્ટર સિટી માટે જેક ગ્રિલિસે 50મી તથા ઈરલિંગ હાલેન્ડે 53મી મિનિટે ગોલ કર્યા હતા. પીએસજી માટે ઓસમાને ડેમ્બેલે 56મી, બ્રેડલી બાર્કોલાએ 60મી, જોઆઓ નેવેસે 78મી તથા ગોન્કાલો રામોસે મેચની 93મી મિનિટે ગોલ કરીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


