વરસાદના વારંવાર વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં ડેનિયલ મેડવેડેવે ટોમી પોલને 6-4, 6-0થી હરાવીને ઇન્ડિયાના વેલ્સ એટીપી ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
અન્ય મુકાબલામાં હોલ્ગર રુનેએ સ્ટેફાનોસ સિત્સપાસને 6-4, 6-3થી તથા આર્થર ફિલ્સે માર્કોસ ગિરોનને 6-2, 2-6, 6-3થી હરાવીને અંતિમ-8મા સ્થાન નિશ્ચીત કર્યું હતું. વરસાદના કારણે મુકાબલો નિર્ધારિત સમયના બદલે ચાર કલાક વિલંબથી રમાયો હતો. વરસાદના કારણે મેન્સ તથા વિમેન્સ સિંગલ્સના કેટલાક મુકાબલા સ્થગિત કરવા પડયા હતા. રશિયન ખેલાડીએ ટોમી પોલે મેચમાં કરેલી 31 સામાન્ય ભૂલોનો ફાયદો ઉઠાવ્યો હતો. મેડવેડેવ પ્રથમ સેટમાં 4-0થી આગળ હતો પરંતુ પોલે વળતો પ્રહાર કરીને સ્કોર 4-4નો કર્યો હતો પરંતુ મેડવેડેવે સતત આઠ પોઇન્ટ હાંસલ કરીને મેચને ધીમે ધીમે પોતાની તરફેણમાં કરી લીધી હતી. તેનો આગામી મુકાબલો આર્થર ફિલ્સ સામે થશે. વિમેન્સ સિંગલ્સમાં ક્વીન વેંગ ઝેંગે કોત્સયુકને 6-3, 6-2થી, મીરા આન્દ્રિવાએ રિબાકીનાને 6-1, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


