ચાર વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ વર્ષ 2025નો શાનદાર રીતે પ્રારંભ કર્યો છે. તે ઑકલેન્ડ ટેનિસ ક્લાસિક ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગઈ છે. જુલિયા ગ્રેબર સામેની પોતાની સેકન્ડ રાઉન્ડની મેચમાં ઓસાકાએ પોતાની શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.
વિષમ વાતાવરણ અને વરસાદની વચ્ચે રમાયેલી મેચમાં ઓસાકાએ પોતાની હરીફ સામે 7-5, 6-3 થી સીધા સેટમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.પવન અને વરસાદી વાતાવરણને કારણે મેચમાં આવેલા વિઘ્ન વચ્ચે પણ ઓસાકાએ પોતાનું ધ્યાન જાળવી રાખ્યું હતું અને પોતાની લય જવા દીધી નહોતી અને પોતાના ગેમ પ્લાનને અસરકારક રીતે અમલમાં મૂક્યો હતો. ઓસાકાની સર્વિસ તેની હરીફ માટે દુર્લભ સાબિત થઈ હતી, કારણ કે તેણે મેળવેલા 80 ટકા પોઇન્ટ્સ તેણે સર્વિસથી મેળવ્યા હતા. સમગ્ર મેચ દરમિયાન પોતાની સર્વિસ જાળવી રાખવાની ઓસાકાએ બતાવેલી ક્ષમતા તેની માનસિક મજબૂતી અને ટેક્નિકલ ક્ષમતાનો પરચો આપતી હતી.
પહેલા સેટમાં ઓસાકાને તેની હરીફે જોરદાર ટક્કર આપી હતી બંને ખેલાડીઓ એકબીજાની સર્વિસ બ્રેક કરવામાં સફળ રહી નહોતી. છેક બારમી ગેમમાં ઓસાકા પોતાની હરીફની સર્વિસ બ્રેક કરવામાં સફળ રહી હતી અને તેણે પહેલો સેટ જીત્યો હતો. બીજા સેકન્ડમાં ઓસાકાએ પોતાનું વર્ચસ્વ બતાવતા સરળતાથી જીત મેળવી હતી.


