ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં થયેલા શરમજનક પરાજય બાદ બીસીસીઆઇએ ટીમ માટે 10 સૂત્રોની ગાઇડલાઇન બહાર પાડી છે જેનું તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી શ્રોણી દરમિયાન પાલન કરવામાં આવ્યું હતું.
તમામ ગાઇડલાઇનનું પાલન ચેમ્પિયન્સ ટ્રોફી અને વિદેશના કોઇ પણ પ્રવાસ દરમિયાન પણ થશે. બોર્ડ પોતાની ગાઇડલાઇન અંગે અત્યંત ગંભીર છે અને ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના પર્સનલ આસિસ્ટન્ટને પણ હવે દૂર કરી દીધો છે. ગંભીરનો પીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમ જે હોટેલમાં રોકાતી હતી તેમાં રોકાતો હતો અને બોર્ડના અધિકારીઓ આ બાબતથી નારાજ થયા હતા. હવે ગંભીરના પર્સનલ આસિસ્ટન્ટને ખેલાડીઓ સાથે એક જ હોટેલમાં નહીં રહેવાની તાકિદ કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કોચિંગ સ્ટાફના એક સભ્યનો પર્સનલ સેક્રેટરી નિયમિત રીતે ટીમની હોટેલમાં રહેતો હતો પરંતુ હવે તેને અલગ રહેવાની ફરજ પડશે. ઇંગ્લેન્ડ સામેની શ્રોણી પહેલાં બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં તાકિદ કરી હોવા છતાં ગંભીરનો પર્સનલ સેક્રેટરી ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં દરેક જગ્યાએ જોવા મળ્યો હતો.
ટીમની પ્રત્યેક મહત્ત્વપૂર્ણ મિટિંગમાં ગંભીરના પર્સનલ સેક્રેટરીની હાજરીએ ઓસ્ટ્રેલિયામાં બોર્ડના અધિકારીઓને નારાજ કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ગંભીરનો પીએ નેશનલ સિલેક્ટર્સ માટેની ચોક્કસ કારમાં શા માટે બેસતો હતો તેના કારણો સમજાતા નથી. પસંદગીકારો કોઇ અજ્ઞાત વ્યક્તિની હાજરીમાં કોઇ અંગત વાતચીત પણ કરી શકતા નથી. તેને એડિલેડ ટેસ્ટમાં બીસીસીઆઇના હોસ્પિટાલિટી બોક્સમાં તેને કોણે સ્થાન આપ્યું કે કોણે તેને પ્રવેશવા દીધો તે શોધવાની બાબત છે. પીએએ એક ફાઇવ સ્ટાર હોટેલમાં ભારે સુરક્ષાવાળા એરિયામાં સવારનો બ્રેકફાસ્ટ કેવી રીતે કરી શક્યો તે પણ એક પ્રશ્નાર્થ છે. આ વિસ્તાર માત્ર ટીમના સભ્યો માટે જ છે.
હેડ કોચ ગંભીરના પર્સનલ આસિસ્ટન્ટ ઇંગ્લેન્ડ સામેની મેચોના તમામ વેન્યૂ ઉપર હાજર હતો પરંતુ તેને ખેલાડીઓ તથા સત્તાવાર સમારંભથી દૂર રાખવામાં આવ્યો છે. તે અલગ હોટેલમાં પણ હતો જે બોર્ડના આદેશની સીધી અસર છે. બોર્ડની ગાઇડલાઇન મુજબ રોહિત, કોહલી, રિષભ પંત સહિત મોટા સ્ટાર્સ રણજી ટ્રોફીમાં રમ્યા હતા. હવે બોર્ડ ખેલાડીઓ તથા ટીમના સહાયક સ્ટાફને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં વિદેશ પ્રવાસની ગાઇડલાઇનો અમલ કરવાનો નિર્દેશ કરી રહ્યું છે.


