આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ના ત્રીજી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. લંડનના લોડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 282 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેણે જીત્યાના ચોથા દિવસે હાંસિલ કર્યો હતો. સાઉથ આફ્રિકા ત્રીજી એવી ટીમ બની ગઈ છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. ન્યુઝિલેન્ડના પહેલા ચક્ર અને ઓસ્ટ્રેલિયાના બીજા ચક્રની સિદ્ધિ પોતાના નામે કરી છે.
ચોકર્સનું ટેગ હટ્યું
આ જીત સાથે સાઉથ આફ્રિકાની ટીમે પોતાના પર લગાવેલું ચોકર્સનું ટેગ પણ હટાવ્યું છે. નોકઆઉટ મેચોમાં સતત હારવાને કારણે પ્રશંસકો લાંબા સમયથી આફ્રિકાની ટીમને ચોકર્સના નામથી ટ્રોલ કરી રહ્યા હતા. ત્યાં સુધી કે ડબ્યુટીસી ફાઈનલ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ પણ સાઉથ આફ્રિકી પ્લેયર્સને સ્લેજ કરવામાં લાગ્યા હતા.
ચોથા દિવસે જ્યારે સાઉથ આફ્રિકાને જીતવા માટે 69 રન જોઈતા હતા અને તેની પાસે 8 વિકેટ બાકી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આશા હતી કે તેઓ તેનો ઓલ આઉટ કરી શકે છે. કેપ્ટન ટેમ્બા બાવુમાએ ખુલાસો કર્યો છે કે ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓએ તેમને ચિડવવા માટે ‘ચોક’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
માર્કરમનું નિવેદન
‘પ્લેયર ઓફ ધ મેચ’ એડેન માર્કરમને આશા છે કે ચોકર્સ શબ્દનો ઉપયોગ હવે ક્યારેય સાઉથ આફ્રિકા માટે થશે નહીં. એડેન માર્કરમે મેચ પછી કહ્યું કે, આ શબ્દ બીજી વખત ક્યારેય સાંભળવા ન મળે તો જ સારુ થશે. આ વખતે અમે કામ કરીને બતાવ્યું અને આ ટેગમાંથી છૂટકારો મેળવ્યો. આ અમારા માટે મોટી વાત છે.