ઓપનર હસન નવાઝને પોતાના દેશ તરફથી નોંધાવેલી ફાસ્ટેસ્ટ સદીની મદદથી પાકિસ્તાને ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 24 બોલ બાકી રાખીને નવ વિકેટે પરાજય આપ્યો હતો.
ન્યૂઝીલેન્ડના 204 રનના જવાબમાં પાકિસ્તાને 16 ઓવરમાં એક વિકેટે 207 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પાંચ મેચની શ્રોણીમાં ન્યૂઝીલેન્ડ 2-1થી આગળ છે. પ્લેયર ઓફ ધ મેચ બનેલા નવાઝે 45 બોલમાં 10 બાઉન્ડ્રી અને સાત સિક્સરની મદદથી અણનમ 105 રન બનાવવા ઉપરાંત સલમાન આગા (51) સાથે બીજી વિકેટ માટે અણનમ 61 બોલમાં અણનમ 133 રનની ભાગીદારી નોંધાવી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં સર્વાધિક સ્કોર માર્ક ચેપમેનનો રહ્યો હતો જે છ રન માટે સદી ચૂક્યો હતો. તેણે 44 બોલમાં 11 બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે 94 તથા સુકાની બ્રેસવેલે 31 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે હેરિસ રઉફે 29 રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી. ટી20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર સદી નોંધાવનાર નવાઝ પ્રથમ પાકિસ્તાની પ્લેયર પણ બન્યો છે. પાકિસ્તાન તરફથી ટી20માં ફાસ્ટેસ્ટ સદીના મામલે બાબર આઝમ બીજા ક્રમે છે જેણે સાઉથ આફ્રિકા સામે 2021માં સેન્ચ્યુરિયન ખાતે 49 બોલમાં સદી ફટકારી હતી.


