ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં તમામ ખેલાડીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. એક ખેલાડી એવો હતો જેની ક્યારેય નોંધ લેવામાં આવી નહોતી.
ફાઇનલ બાદ રોહિત શર્માને અચાનક તે ખેલાડીની યાદ આવી ગઇ હતી અને તેની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. રોહિતે જણાવ્યું હતું કે શ્રેયસ ઐયર અમારો સાઇલેન્ટ હીરો હતો. પ્રત્યેક મેચમાં પરિસ્થિતિ કપરી રહેશે તેવી અમને ખબર હતી. સ્કોર ઓછો હોવા છતાં દુબઇની સ્લો પિચ ઉપર રન બનાવવાનું હમેશાં મુશ્કેલ રહેતું હતું. અમારે મોટી ભાગીદારીની જરૂર રહેતી હતી. મિડલ ઓર્ડરમાં ઐયરની આક્રમક બેટિંગને અમારું કામ ઘણું સરળ બનાવ્યું હતું. તે કોઇ પણ જાતના દબાણ વિના પોતાની નૈસર્ગિક રમત રમતો હતો. ઓસ્ટ્રેલિયા સામે તેણે મોટા ભાગના બેટ્સમેનો ખાસ કરીને વિરાટ કોહલી સાથે કરેલી ભાગીદારી ટર્નિંગ પોઇન્ટ બની હતી.
રોહિતે જણાવ્યું હતું કે ફાઇનલમાં હું આઉટ થયો ત્યારે ટીમે ટૂંકા ગાળામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમારે 50થી 80 રનની ભાગીદારી જોઇતી હતી.ઐયરે પરિસ્થિતિને સમજીને રન બનાવવાનું શરૂ કરીને ટાર્ગેટ આસાન બનાવી દીધો હતો.


