અહીં રમાયેલી સૌયદ મોદી આંતરરાષ્ટ્રીય સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતને રવિવારે ખુશી અને પીડા બંનેની ઝલક જોવા મળી હતી. ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીએ શાનદાર દેખાવ કરતા સતત બીજીવાર મહિલા ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો જ્યારે કિદાંબી શ્રીકાંતનો આઠ વર્ષથી આ ખિતાબ જીતવાનો ચાલ્યો આવતો ઇન્તજાર ફરી લંબાયો છે.
2017ની ફેન્ચ ઓપન બાદથી કોઇપણ ફાઇનલ નહીં જીતી શકનારા શ્રીકાંત ફાઇનલમાં જીતની ખુબ નજીક હતો પરંતુ હોંગકોંગના વર્લ્ડ નંબર વન ખેલાડી જેસન ગુનાવને 67 મિનિટના રોમાંચક મુકાબલામાં શ્રીકાંતને 16-21, 21-8, 20-22થી પરાજય આપીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગુનાવન પહેલી ગેમમાં આક્રમક રમત રમ્યો હતો. બીજી ગેમમાં શ્રીકાંત લયમાં પરત ફર્યો હતો અને 13 ગેમ પોઇન્ટ લઇને ગેમ બરાબર કરી હતી. નિર્ણાયક ગેમમાં પણ શ્રીકાંતે પહેલા લીડ મેળવી હતી પરંતુ ગુનાવને અદ્વિતિય રિટ્રીવલ અને જોરદાર હુમલાથી ગેમમાં વાપસી કરીને મેચ પર કબ્જો જમાવ્યો હતો.


