ડિફેન્ડિંગ ચેમ્પિયન પોલેન્ડની ઇગા સ્વિાયાતેક, અમેરિકાની જેસિકા પેગુલાએ પોતપોતાના મુકાબલા જીતીને ઇન્ડિયન વેલ્સ બીએનપી પારિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાની આગેકૂચ જારી રાખી હતી.
સ્વિયાતેકે ફ્રાન્સની અનુભવી ખેલાડી કેરોલિન ગાર્સિયાને 6-2, 6-0થી હરાવી હતી. આકરી ગરમી વચ્ચે રમાયેલી મેચમાં સ્વિયાતેકે પોતાના નવમાંથી છ બ્રેક પોઇન્ટ પોતાની તરફેણમાં કર્યા હતા અને 61 મિનિટની મેચમાં તેની સર્વિસ એક જ વખત બ્રેક થઇ હતી. ચોથી ક્રમાંકિત પેગુલાએ પોલેન્ડની મગ્દા લિનેટને 6-2, 6-2થી હરાવી હતી. ઝંઝાવાતી પવનના કારણે ખેલાડીઓને સર્વિસ ઉપર કાબુ રાખવામાં મુશ્કેલી નડી હતી. 17 વર્ષીય રશિયન ખેલાડી મીરા આન્દ્રિવાએ બીજા સેટમાં એક સમયે 0-4થી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ફ્રાન્સની વારવારા ગ્રાચેવાને 7-5, 6-4થી પરાજય આપ્યો હતો. ડેનમાર્કની ક્લારા ટોસને કોલંબિયાની કેમિલા ઓસોરિયા સામે 7-6 (7-3), 7-5થી વિજય હાંસલ કર્યો હતો.


