આઇપીએલમાં રવિવારે રમાનારા ડબલ હેડરમાં પ્રથમ મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. બંને વચ્ચે અત્યાર સુધી રમાયેલા 24 મુકાબલામાં હૈદરાબાદે 13 તથા દિલ્હીએ 11 મેચ જીતી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બે મુકાબલામાં બંને મેચ દિલ્હીએ જીતી હતી. તાજેતરનો રેકોર્ડ પણ દિલ્હીના નામે છે. બંને ટીમો વચ્ચે 2023થી રમાયેલી છ મેચમાં દિલ્હીએ ચાર વિજય હાંસલ કર્યા છે.
ટ્રેવિસ હેડે વર્તમાન સિઝનમાં પણ આક્રમક બેટિંગ જારી રાખી છે. તેનો ઓસ્ટ્રેલિયા સાથીદાર મિચેલ સ્ટાર્ક આ મેચમાં હેડને કાબૂમાં રાખી શકે છે. ડાબોડી પેસ બોલર સ્ટાર્કે હેડને દસ ટી20 મેચમાં પાંચ વખત આઉટ કર્યો છે. તેમાંથી હેડ ચાર વખત ડકમાં અને આ ચારમાંથી ત્રણ વખત ગોલ્ડન ડક એટલે કે પ્રથમ બોલે જ સ્ટાર્કની બોલિંગમાં આઉટ થયો છે. હેડના સાથીદાર અભિષેક શર્માને પણ બે ઇનિંગમાં સ્ટાર્કે એક વખત આઉટ કર્યો છે.
દિલ્હીનો સુકાની અક્ષર પટેલ હૈદરાબાદના ડાબોડી બેટ્સમેનોને પરેશાનીમાં મુકી શકે છે. તેણે ઇશાન કિશન અને અભિષેકને બે-બે વખત તથા હેડને ત્રણ ઇનિંગમાં એક વખત આઉટ કર્યો છે. દિલ્હી અને હૈદરાબાદ પાસે અનુક્રમે કુલદીપ યાદવ અને એડમ ઝમ્પાના સ્વરૂપે બે રિસ્ટ સ્પિનર્સ છે અને આ બંનેનો રેકોર્ડ પણ ઘણો સારો રહ્યો છે. જોકે ક્લાસેનને કુલદીપ છ ઇનિંગ્સમાં એક પણ વખત આઉટ કરી શક્યો નથી. ક્લાસેને તેની સામે 177ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
હૈદરાબાદ પાસે મોહમ્મદ શમી, પેટ કમિન્સ અને હર્ષલ પટેલ જેવા પેસ બોલર્સ છે. દિલ્હી પાસે ફફ્ ડુ પ્લેસિસ તથા લોકેશ રાહુલ જેવા ટોચના ક્રમના બેટ્સમેનો છે. શમીએ રાહુલને ત્રણ તથા ડુ પ્લેસિસને બે વખત આઉટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયના આંકડાને જોતાં આ મુકાબલો રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે.


