પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના નવદીપસ્થિત માયાપુર ગામમાં ઈ.સ. 1486માં ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ થયો હતો. આ દૈવી યુગપુરુષનું પ્રાગટ્ય ફાગણ સુદ પૂર્ણિમાના રોજ થયું હોવાથી વૈષ્ણવ સમાજમાં આ દિવસ ગૌર પૂર્ણિમા તરીકે ઓળખાય છે. માતા શચિદેવી અને પિતા પંડિત જગન્નાથ મિશ્ર હતાં. તેમનો જન્મ લીમડા નીચે થયો હોવાથી તેમનું બાળપણનું નામ નિમાઈ હતું.
ચૈતન્ય મહાપ્રભુજીએ ખૂબ નાની ઉંમરથી હરિનામ સંકીર્તનની ઝૂંબેશ હાથ ધરી હતી. સમયના પ્રવાહમાં તેમના પિતાનું અવસાન થતાં તેઓ માતાનો એકમાત્ર આધાર બની ગયા હતા, કારણ કે તેમના મોટા ભાઈ વિશ્વરૂપે એક રાતે અચાનક સંસારનો ત્યાગ કર્યો હતો. તે પછી યુવાવસ્થાએ પહોંચતા નિમાઇ પંડિતે લક્ષ્મીદેવી સાથે લગ્ન કર્યાં. તેઓ નવદ્વીપની એક પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક હતા. તેઓ એકવાર કૃષ્ણભક્તિનો પ્રચાર કરવા પૂર્વ બંગાળ ગયા હતા. પોતાના પતિ નિમાઇ લાંબા સમય સુધી ઘરે પાછા ફર્યાં નહીં એટલે લક્ષ્મીદેવીએ પતિવિરહથી ઝૂરીને દેહત્યાગ કર્યો. પાછા ફરેલા નિમાઇ પત્નીના મૃત્યુની વાત સાંભળીને અત્યંત દુઃખી થયા. એ પછી માતાના આગ્રહથી તેમણે વિષ્ણુપ્રિયા સાથે ફરીથી લગ્ન કર્યાં.
બંગાળના કૃષ્ણભક્તો મહાપ્રભુજીને રાધાજીનો અવતાર માનતા હતા. રાધાજીની જેમ જ તેઓ કૃષ્ણના વિરહમાં ક્યારેક રડતા, ક્યારેક નાચતા અને ક્યારેક દોડવા લાગતા. એક વખત કૃષ્ણવિરહનો અનુભવ થતાં નિમાઇ પંડિતે તેમના વિદ્યાર્થીઓને મનુષ્યજીવનનું લક્ષ્ય કૃષ્ણભાવનામૃત વિશે ચર્ચામાં ઊતરીને અંગુલિનિર્દેશન કર્યું, પરંતુ વિદ્યાર્થીઓને તેમની વાત ગંભીરતાથી લેવાના સ્થાને ઉપહાસ કર્યો. આ ઘટનાના પગલે તેમણે સંન્યાસ લઇને કૃષ્ણભક્તિના પ્રચારનો દૃઢ સંકલ્પ કર્યો. નિરાધાર વૃદ્ધ માતા અને યુવાન પત્નીને એક રાત્રિએ સૂતાં મૂકીને નિમાઈ પંડિત સંન્યાસના સંકલ્પને દૃઢ કરવા ચૂપચાપ નીકળી પડ્યા. કત્વા ગામમાં કેશવભારતી નામના સંન્યાસી પાસેથી દીક્ષા લીધી. તેમને દીક્ષામાં `ચૈતન્ય’ નામ મળ્યું. એ ઘટના પછી તેઓ ચૈતન્ય મહાપ્રભુજી તરીકે ઓળખાયા. ગુરુ થકી તેમને દીક્ષામાં કૃષ્ણ નામમંત્ર મળ્યો. તેઓ મહામંત્ર- હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે-હરે રામ હરે રામ, રામ રામ, હરે હરેનું સંકીર્તન ગાન-જપ કરતાં કરતાં સ્વયં પોતાનું ભાન ભૂલી જતા. ચૈતન્ય મહાપ્રભુજીએ માતાજીના આગ્રહથી જગન્નાથપુરીમાં રહેવાનો સંકલ્પ કર્યો. જેથી કરીને માતુશ્રી ત્રના સમાચાર જાણી શકે. જીવનમાં પાછલાં અઢાર વર્ષ મહાપ્રભુજીએ જગન્નાથપુરીમાં વિતાવેલાં. એક વખત ભક્તવૃંદમાં સંકીર્તનમાં મહાપ્રભુજીએ જગન્નાથજી મંદિ2થી થોડે દૂર સ્થિત ટોટા ગોપીનાથજીના મંદિર તરફ દોટ મૂકી. મંદિરનાં કમાડ આપોઆપ ઊઘડી ગયાં. મહાપ્રભુજીએ મંદિરમાં પ્રવેશ કર્યો. તે સાથે જ તેઓ ટોટા ગોપીનાથજીમાં એકાકાર થઈ ગયા.