- ભારતીય હાઈ કમિશનરે મુકત કરાયેલા માછીમારોના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા
- ભારતના કુલ 21 માછીમારો સ્વદેશ પરત ફરી રહ્યા છે
- ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો વિવાદનું મુખ્ય કારણ
ભારતીય હાઈ કમિશને શુક્રવારે જણાવ્યું હતું કે શ્રીલંકાની નૌકાદળ દ્વારા ધરપકડ કરાયેલા 21 ભારતીય માછીમારોને પાછા મોકલી દેવામાં આવ્યા છે અને તેઓ કોલંબોથી ચેન્નાઈ જઈ રહ્યા છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશન અને જાફનામાં ભારતીય કોન્સ્યુલેટે શ્રીલંકાના સરકારી અધિકારીઓ સાથે મળીને ભારતીય માછીમારોની મુક્તિ સુરક્ષિત કરી.
ભારતીય માછીમારો વતન પરત ફર્યા
હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુક્ત કરાયેલા માછીમારોની તસવીર સાથે પોસ્ટ કર્યું, ‘ઘર વાપસી! 21 ભારતીય માછીમારોને સફળતાપૂર્વક પાછા લાવવામાં આવ્યા છે અને તેઓ કોલંબોથી ચેન્નાઈ જઈ રહ્યા છે. ગુરુવારે, ભારતીય મિશન ટ્વિટર પર જણાવ્યું હતું કે, અધિકારીઓ આજે માછીમારોને મળ્યા, તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને એક દિવસમાં તેમના પરત આવવાની ખાતરી આપી.’
માછીમારોનો મુદ્દો વિવાદોનું મુખ્ય કારણ રહ્યો છે
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો વિવાદનું મુખ્ય કારણ રહ્યો છે. શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓએ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો અને શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશની અનેક કથિત ઘટનાઓમાં તેમની બોટ જપ્ત કરી હતી.
ભારતીય માછીમારના મોત સામે વિરોધ
ગુરુવારે સવારે ટાપુ દેશની પ્રાદેશિક જળસીમામાં શ્રીલંકાના નૌકાદળના જહાજ અને ભારતીય માછીમારી બોટ વચ્ચે અથડામણને પગલે એક ભારતીય માછીમારનું મોત થયું હતું અને અન્ય એક ગુમ થયો હતો. શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને ગુરુવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને આ ઘટના પર સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.


