શ્રીલંકાની નૌસેનાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકા તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે, પકડાયેલા માછીમારો ગેરકાયદેસર રીતે માછલીઓ પકડતા હતા. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાની નૌસેનાએ બે વિવિધ કેસમાં આ માછીમારોની ધરપકડ કરી છે. અને સાથે ત્રણ ટ્રોલર જબ્ત કર્યા છે. શ્રીલંકાની નૌસેનાએ જણાવ્યુ છે કે, 25 અને 26 જાન્યુઆરીના રોજ આ માછામારો પકડવામાં આવ્યા છે. હવે ભારત સરકારે આ તમામ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે.
માછીમાર સંગઠનોનો વિરોધ
મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોને ઉત્તર-પૂર્વીય મન્ના જિલ્લામાંથી આ ધરપકડ કર્યા છે. વધુ કાર્યવાહી માટે ધરપકડ કરાયેલા માછીમારોને અધિકારીઓ પાસે સોંપવામાં આવશે. તો આ તરફ માછીમાર સંગઠને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તો સાથે માછીમાર સંગઠને કેંદ્ર સરકારને અપીલ કરી છે કે, પકડાયેલા માછીમારોને વહેલી તકે કોઇ દંડ ફટકાર્યા વિના મુક્ત કરવામાં આવે. અને તેમની હોડી પણ છોડવામાં આવે.
સમુદ્રમાં શ્રીલંકાની તાનાશાહી ?
ભારતીય માછીમારોની ધરપકડનો મામલો કોઇ નવો નથી. સમુદ્રમાં શ્રીલંકા પોતાની તાનાશાહી ચલાવતુ હોય તેમ લાગી રહ્યુ છે. અગાઉ પણ આ પ્રકારની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ભારતીય ઉચ્ચાયોગે જણાવ્યુ હતુ કે, શ્રીલંકાએ 41 જેટલા માછીમારો મુક્ત કર્યા છે. 12 જાન્યુઆરી 2025ના રોજ 8 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. અને સાથે જ બે હોડીઓ પણ જપ્ત કરાઇ હતી.
બન્ને દેશ વચ્ચે સંવેદનશીલ વિષય
માછીમારોની ધરપકડ એ ભારત અને શ્રીલંકા વચ્ચે સંવેદનશીલ વિષય રહ્યો છે. ભૂતકાળમાં એવી કેટલીએ ઘટના બની છે જેમાં શ્રીલંકા અને પાકિસ્તાનની પોલીસે ભારતીય માછીમારોને સમુદ્રની વચ્ચે ગોળી મારી છે અને તેમની બોટ પણ જપ્ત કરી છે. તમિલનાડુ અને શ્રીલંકા આ બંનેના માછીમારોને પાકિસ્તાનના મધ્યમાં માછલી પકડવુ યોગ્ય લાગે છે. તેના કારણે માછીમારો અહીં આવે છે અને આંતરરાષ્ટ્રીય સીમા આળંગતા જ તેમની ધરપકડ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાએ વર્ષ 2024માં 200થી વધુ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. અને તેમની બોટ પણ પોતાના કબ્જામાં રાખી હતી.
આંતરરાષ્ટ્રીય સીમા આળંગતા જ માછીમારો પર ધરપકડની તલવાર લટકતી હોય છે. ત્યારે આ મામલે માછીમારોને ગાઇડ લાઇન અને બંને દેશ વચ્ચે કોઇ યોગ્ય કાયદો બને તે જરુરી છે. અને સમુદ્ર સીમા માટે માછીમારો પાસે યોગ્ય જ્ઞાન હોય તે પણ જરુરી બન્યુ છે. કારણ કે આ સંવેદનશીલ વિષયમાં દેશની સરકારની સાથે માછીમારોના પરિવાર પણ મુસિબતોનો સામનો કરતુ હોય છે.


