- લાલ સાગરના રસ્તે વૈશ્વિક વેપારને સુરક્ષિત બનાવવા શ્રીલંકા પગલાં લેશે
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કરી મહત્વની જાહેરાત
- રાષ્ટ્રપતિના આદેશ બાદ દર 15 દિવસમાં 250 મિલિયન રૂપિયા આપવાની જાહેરાત
શ્રીલંકાની નૌસેનાએ કહ્યું છે કે લાલ સાગરના રસ્તે વૈશ્વિક વેપારને સુરક્ષિત બનાવવા માટે તે જરૂરી પગલાં ઉઠાવશે. નૌસેનાએ કહ્યું છે કે શ્રીલંકા લાલ સાગરમાં એક નૌસૈનિક જહાજ મોકલવા માટે તૈયારી છે. હૂતી બળવાખોરોના હુમલાઓ અને વેપારી જહાજો પર તોળાતા ખતરાને પહોંચી વળવા માટેની કવાયત હેઠળ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ જરૂરી ઘોષણાઓ કરી છે. રાષ્ટ્રપતિના આદેશ બાદ દર 15 દિવસમાં 250 મિલિયન રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
લાલ સાગર એ મુખ્ય વેપારી જળમાર્ગ છે. ભારત જેવા દેશોએ પણ તેની સુરક્ષા માટે જરૂરી પગલાં લીધા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિનો નિર્ણય એટલા માટે પણ મહત્વનો માનવામાં આવે છે કારણ કે વિક્રમસિંઘે રક્ષા મંત્રીનું પદ પણ ધરાવે છે. લાલ સાગર સાથે જોડાયેલા આ નિર્ણયને કારણે તે ટીકાકારોના નિશાના પર પણ છે. શ્રીલંકાના આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય માટે વિક્રમસિંઘેની ટીકા થઈ રહી છે.
વિશ્વનો 12% વેપાર આ માર્ગે જ થાય છે
રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલ સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો હૂતીઓના હુમલાને કારણે લાલ સાગરમાંથી પસાર થતાં જહાજોની અવરજવર અવરોધાય છે તો જહાજ તૈનાત કરવાનો ખર્ચ કોલંબો પોર્ટને થનાર નુકશાનની સરખામણીમાં ખૂબ જ ઓછો હશે. લાલ સાગરમાં બાબ અલ-મંડેબ દક્ષિણ ચેકપોઇન્ટથી લગભગ 12%નો વેપાર થાય છે. હૂતી બળવાખોરોએ આ જળમાર્ગ પર જહાજોને નિશાન બનાવ્યા છે.
સોમવારે જાહેર કરવામાં આવેલ કરાયેલા એક નિવેદન અનુસાર શ્રીલંકાની નૌસેનાના પ્રવક્તા કેપ્ટન ગયાન વિક્રમસૂર્યાએ જણાવ્યું હતું કે, તૈનાતીની ચોક્કસ તારીખ હજુ સુધી નક્કી નથી કરવામાં આવી. જો કે, જહાજો લાલ સાગર, અરબ સાગર, અદનની ખાડી અને જોડાયેલા દરિયાઈ માર્ગોને આવરી લેશે.


