- 13A સુધારામાં અલ્પસંખ્યકોને સત્તાઓ ટ્રાન્સફર કરવાની જોગવાઈ
- તમિલ નેશનલ અલાયન્સે કરી ભારતના હાઈ કમિશનર સાથે બેઠક
- 1987ના ભારત શ્રીલંકા કરાર હેઠળ લાગુ થયો હતો 13A સુધારો
શ્રીલંકાના તમિલ નેતાઓએ માંગ કરી છે કે શ્રીલંકન બંધારણના 13A સુધારો લાગુ કરવા માટે ભારતે હસ્તક્ષેપ કરવો જોઈએ. શ્રીલંકાના બંધારણનો 13A સુધારો અલ્પસંખ્યક સમુદાયને અમુક સત્તાઓ ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરે છે. શ્રીલંકામાં તમિલ સમુદાયના સિનિયર નેતા આર સંપનથાને સોમવારે શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા સાથે મુલાકાત કરી હતી. શ્રીલંકામાં તમિલોના સંગઠન તમિલ નેશનલ એલાયન્સે આ માહિતી આપી છે.
ભારત કરે હસ્તક્ષેપ: તમિલ પક્ષોની માંગ
તમિલ નેશનલ અલાયન્સે જણાવ્યું છે કે સંપનથાને અને ભારતના હાઈ કમિશનર વચ્ચે બે કલાક લાંબી ચર્ચા થઈ હતી, જેમાં મુખ્યરીતે 13A સુધારાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તમિલ પાર્ટીઓની માંગ છે કે ભારતે આ સંદર્ભે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ બેઠકમાં તમિલ રાજકીય કેદીઓ અને સરકાર દ્વારા તમિલોની કબજે કરવામાં આવેલ જમીનને લઈને વાત કરવામાં આવી. ભારત દ્વારા શ્રીલંકા પર 13A સુધારો લાગુ કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
1987ના ભારત શ્રીલંકા કરાર હેઠળ લાગુ થયો હતો 13A સુધારો
વર્ષ 1987માં ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જેઆર જયવર્દને વચ્ચે ભારત-શ્રીલંકા કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ શ્રીલંકાના બંધારણમાં 13A સુધારો સામેલ કરવામાં આવ્યો હતો. આ સુધારા અંતર્ગત શ્રીલંકાના તમામ 9 રાજ્યોની સરકારોને કેટલીક સત્તાઓ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંતર્ગત શ્રીલંકાના રાજ્યોની સરકારો પણ કૃષિ અને આરોગ્ય વગેરે અંગે નિર્ણય લઈ શકે છે.
બૌદ્ધ સંગઠનોના દબાણમાં ઝૂકી હતી સરકાર
તાજેતરમાં, વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ આ સુધારાને લાગુ કરવા માટે તમિલ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સુધારા હેઠળ પોલીસ સિવાય રાજ્ય સરકારોને અન્ય સત્તાઓ આપવાની તૈયારી હતી. જો કે, સરકાર શક્તિશાળી બૌદ્ધ સંગઠનો સામે ઝૂકી ગઈ. બૌદ્ધ સંગઠનો તમિલોને સત્તા આપવાની વિરુદ્ધમાં છે કારણ કે તેમને લાગે છે કે તેનાથી દેશની એકતા જોખમાઈ શકે છે. તો, LTTE ના અંત બાદ, નરમપંથી તમિલ નેતાઓ શ્રીલંકાને આધીન રહીને કેટલીક સત્તાઓ ટ્રાન્સફર કરવાની માંગ કરી રહ્યા છે. LTTE સંગઠન જે અલગ તમિલ રાષ્ટ્ર માટે લડી રહ્યું હતું તેણે 13A સુધારાને ફગાવી દીધો હતો.


