નર્મદાકિનારે નારેશ્વર પવિત્ર યાત્રાધામ છે. આ નારેશ્વર યાત્રાધામ રંગ અવધૂતજીની પવિત્ર જગ્યા તરીકે અતિ પ્રચલિત છે. પવિત્ર સંત શ્રી રંગ અવધૂતજી કારતક વદ અમાસના પવિત્ર દિવસે પરમેશ્વરમાં ભળી ગયા યાને કે, કારતક વદ અમાસ વિ.સં.2025માં બ્રહ્મલીન થયા. આજે પણ લોકો તેમની પવિત્ર સુવાસ અને હકારાત્મક ઊર્જાનો અનુભવ આ જગ્યા ઉપર કરી રહ્યા છે. પૂ.રંગ અવધૂતજીની પુણ્યતિથિ અવસરે તેમના પવિત્ર જીવન વિશે જાણીએ.
માતા રુક્મિણીએ તારીખ 21-11-1898 અને વિ.સં.કારતક સુદ નોમ 1955 નવમી તિથિએ પુત્રને જન્મ આપ્યો. પિતા વિઠ્ઠલપંત વળામે અને માતાએ આ પુત્રનું નામ પાંડુરંગ રાખ્યું. જાતકર્મ સંસ્કાર પણ થયા. આ દિવ્ય બાળક નાનપણથી જ બોલતાં અને વિચારતા થઈ ગયેલો. આ સમયમાં ગોધરામાં જીવલેણ રોગ ફાટી નીકળ્યો હતો. બાળક પાંડુરંગના ઘર પાસેથી દિવસમાં ઘણી નનામી નીકળતી હતી. ખૂબ કૌતુકથી તેઓ પિતાજીને પૂછતાં, પિતાજી આ શું છે? ક્યાં લઈ જાય છે? તેના ઉત્તરમાં પિતાજી કહેતા કે બેટા, એ મૃત્યુ પામ્યા છે, તેને સ્મશાને અગ્નિસંસ્કાર માટે લઈ જાય છે. દીકરાનો પ્રશ્ન આગળ વધ્યો. આ ફરીથી જન્મ લે? પિતાએ જવાબ આપ્યો કે હા. ત્યારે બાળક પાંડુરંગે કહ્યું વારંવાર જન્મ અને મરણના ફેરામાં શું કામ આવવું? ફરીથી જન્મ ન લેવો હોય તો શું કરવું? વિચાર કરો કે ખૂબ નાના બાળકના મગજમાં ખૂબ મોટો સવાલ અને ખૂબ મોટો વિચાર. સાક્ષાત્ પ્રભુનો અંશ જ હોઈ શકેને? પિતાએ જવાબ આપ્યો કે પ્રભુ રામનું નામસ્મરણ કરવાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. બસ, બાળક પાંડુરંગને તો પિતાના મુખેથી રામનામની દિક્ષા મળી ગઈ. તે તો સૂતાં-બેસતાં, જાગતાં-ઊઠતાં સતત રામનામ સ્મરણ અને મંત્રજાપ કરતા રહ્યાં. થોડા સમય બાદ માતા રુક્મિણીને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો જે નારાયણ નામે પ્રખ્યાત થયા.
આ જીવલેણ રોગમાં પિતાજી મૃત્યુ પામ્યા. હવે તો માતાજી તથા બંને પુત્રો સંઘર્ષમય જિંદગી જીવવા લાગ્યાં. માતા બંને બાળકોને લઈ વતન દેવળે આવ્યાં. બંને બાળકોના યજ્ઞોપવીત સંસ્કાર થયા. ત્યાંથી પાછા ફરતા સમયે, નરસોબાવાડીએ પાદુકાનાં દર્શન કરવા રોકાયાં. નરસોબાવાડી એટલે, 14મી સદીમાં થઈ ગયેલા દત્ત અવતાર શ્રી નૃસિંહ સરસ્વતીએ જ્યાં બાર વર્ષ સુધી રહીને દિવ્ય લીલાઓ કરી હતી. મહારાષ્ટ્રમાં સાંગલી નજીક આ પવિત્ર જગ્યા છે. આજે પણ કૃષ્ણા નદીના કિનારે આ મોટું પાદુકામંદિર છે. માંણગાંવના સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી કે જેમની સમાધિ નર્મદા કિનારે ગરુડેશ્વરમાં છે. તે સંત આ સમયે વાડીમાં મુકામ કરી રહ્યા હતા. અનાયાસે દત્તની રાજધાનીમાં દત્તાવતાર ગણાતા વાસુદેવાનંદજીનાં પણ દર્શન થઈ ગયાં. પાંડુરંગે તેમને ગુરુ માન્યા હતા.
શ્રી પાંડુરંગે ગોધરાની શાળામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. તેઓ હંમેશાં અવ્વલ નંબર મેળવતા. પાંડુરંગને ઈશ્વર પ્રત્યે પૂરી શ્રદ્ધા હતી. તેમના અભ્યાસ દરમિયાન માંદગીમાં પણ તેઓ સેકન્ડ ક્લાસ પાસ થયા અને કૉલેજના બીજા વર્ષમાં આપોઆપ ફી ભરવાની પણ વ્યવસ્થા થઈ ગઈ તે ભગવાન ઉપરના અતૂટ ભરોસાને જ આભારી છે.
આઝાદીની લડત સમયે લોકમાન્ય તિલકનું અવસાન થયું. જ્યુબિલી બાગમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ તેમાં પાંડુરંગે ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સમયમાં ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટેનું સુકાન સંભાળ્યું હતું. પાંડુરંગે કૉલેજમાં એલાન કર્યું કે દેશની આઝાદી ખાતર હું ભવિષ્યની ઝળહળતી સિદ્ધિ છોડી દઈશ. કોંગ્રેસના એક અધિવેશનમાં ગાંધીજીએ તેમને વિશિષ્ટ આત્મવિશ્વાસ સાથે જોયા અને તેમને અપનાવી લીધા. આ સમયે કાકાસાહેબ કાલેલકરજીનો પરિચય થયો. તેઓ પણ પાંડુરંગથી પ્રભાવિત થયા. કાકાસાહેબની ભલામણથી અને તેમની મહેનતથી પાંડુરંગને `ભાષાવિશારદ’ની પદવી મળી. ત્યારબાદ રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે સેવા ચાલુ કરી. આ સમયમાં પાંડુરંગે ઉપનિષદના સાર જેવી મુખ્ય `ઉપનિષદની વાતો’ એ નામથી 14 વાર્તાઓ સરળ ભાષામાં લખીને પ્રકાશિત કરી. જેનું હિંદી રૂપાંતર `ઉપનિષદ કે ચૌદહ રત્ને’ આ નામથી પ્રસિદ્ધ થયું. આ રીતે સંસ્કૃતના સારા જાણકાર તરીકે ખ્યાતિ પામ્યા. ટોલ્સટોય અને શિક્ષણ જેવાં પુસ્તકોનો અનુવાદ આપ્યો. પોતાની રીતે વિષ્ણુપુરાણની વાતો તૈયાર કરી અને નારેશ્વરથી પ્રગટ થઈ છે. એ જ રીતે `પ્રશ્નોત્તરી ગીતા’ પણ તેમણે તૈયાર કર્યું. કાકાસાહેબના પુસ્તક `સદબોધ ક્ષતક’ ઉપર વિદ્યાર્થીને ઉપયોગી સંસ્કૃત ભાષામાં ટીકા લખવાનું કામ પાંડુરંગે કર્યું. તેનું નામ `બાલબોધિની’ રાખ્યું.
આ સમયમાં પાંડુરંગનો ભીતરી પ્રવાહ જોરશોરથી ચાલુ થઈ ગયો હતો. તેઓ વ્યસ્તતામાં પણ આધ્યાત્મિક કાર્ય પૂર્ણ કરી લેતા હતા. જ્યાં પણ સમય માટે એકાંત મળે પ્રભુનું નામસ્મરણ જપ અવશ્ય કરી લેતા હતા. તે હંમેશાં કાયમી, એકાંત જગ્યાની શોધમાં જ રહેતા હતા. વખતોવખત સંતોના આશીર્વાદ પણ મેળવતા. તે સમયે સાંઈખેડાના સંત કેશવાનંદજીની પ્રેરણા થઈ અને તેને નર્મદાકિનારે જવા અનુરોધ કર્યો. સમયની શોધ સાથે ઈ.સ.1925ની સાલમાં કડકડતી માગશર માસની ઠંડીમાં વદ-4ના દિવસે નર્મદાકિનારે નારેશ્વરમાં વાસ કર્યો. તે સાત ગામની સ્મશાનભૂમિ હતી. આ ભયાનક સ્થળને તેમણે પસંદ કર્યું. ત્યાં રહેવા લાગ્યા એટલે અવધૂત તરીકે ઓળખાયા. એક રાત્રિએ તેમને સ્વપ્ન આવ્યું કે દત્તપુરાણની 108 પારાયણ કર. તેમની લગન અને મહેનતથી દત્તપુરાણ મહામુસીબતે મેળવ્યું અને તેમણે 108 પારાયણ કરી. ત્યારબાદ તેમની ઉત્થાપન માટે વિધિ થઈ. તેમણે નક્કી કર્યું કે નર્મદાની પરિક્રમા માત્ર ગોળનું પાણી પીને કરીશ. એ રીતે પરિક્રમા કરી નારેશ્વર મુકામે રહીને વૈદિક પરંપરાની સ્થાપના કરી અનેક યજ્ઞાદિ કર્મો કર્યાં. તેઓએ અનુકૂળ સમયે પત્રગીતા, આત્મચિંતન, નારેશ્વર માહાત્મ્યનું નિર્માણ કર્યું. સવિશેષમાં દત્તબાવનીનું નિર્માણ કર્યું. જેનો નિત્યપાઠ કરવાથી, ગુરુવારે પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. વિદ્યા પ્રાપ્ત થાય છે. નારેશ્વરમાં અનેક ઉત્સવો શરૂ કર્યા. અનેકને કુટેવો છોડાવી, વ્યસનમુક્ત કર્યાં. આ રીતે પ્રભુની પ્રસાદી રૂપ ઉત્તમ જીવી ગયા. હરિદ્વાર ગયા ત્યાં તેમણે જીવનલીલા સંકેલી લીધી. ત્રણ વાર ૐ ઉચ્ચારણ કરી કારતક વદ અમાસ વિ.સં.2025માં બ્રહ્મલીન થઈ ગયા. અનેક ભક્તોએ રડતા હૃદયે અંજલિ આપી. આજે જ્યાં રંગમંદિર છે ત્યાં અગ્નિસંસ્કાર થયા. 19-11-68ના રોજ બ્રહ્મલીન થયા. તા.21-11-68ના રોજ મધ્યરાત્રે અગ્નિસંસ્કાર થયા. અવધૂતજીએ લખેલું હંસગીત ભજન તેમના જીવન અને કવનને અક્ષરશ: લાગુ પડે છે.