શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ રાનિલ વિક્રમસિંઘેને ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેના હાથે મોટા અપસેટનો સામનો કરવો પડ્યો છે. દિસનાયકેએ શાનદાર જીત નોંધાવી છે અને તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. શ્રીલંકામાં દેશના 10મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે 21 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને ગઈકાલે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1 કરોડ 70 લાખ મતદારોમાંથી લગભગ 75 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર 2019માં યોજાયેલી છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 83 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે આવો જાણીએ કોણ છે અનુરા કુમારા દિસાનાયકે.
કોણ છે અનુરા કુમાર દિસાનાયકે ?
- અનુરા કુમાર દિસાનાયકે કોલંબો જિલ્લાના સાંસદ છે.
- તેઓ નેશનલ પીપલ્સ પાવર અને જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેતા છે.
- તેમણે નેશનલ પીપલ્સ પાવર (NPP) ગઠબંધનના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી.
- આ ગઠબંધનમાં માર્ક્સવાદી વલણ ધરાવતા જનતા વિમુક્તિ પેરેમુના (JVP) પક્ષનો સમાવેશ થાય છે.
- તેમણે તેમનું ધ્યાન ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ગરીબોના કલ્યાણ માટેની નીતિ પર કેન્દ્રિત કર્યું.
- દિસાનાયકેએ ચૂંટણી પ્રચાર દરમિયાન નોંધપાત્ર ફેરફારોનું વચન આપ્યું હતું, જેમાં સામાન્ય ચૂંટણીમાં નવો આદેશ મેળવવા માટે 45 દિવસની અંદર સંસદનું વિસર્જન કરવાનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રીએ પાઠવી શુભકામના
રાનિલ વિક્રમસિંઘેના વિદેશ મંત્રી અલી સાબરીએ X પર એક પોસ્ટમાં દિસાનાયકેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું હતું કે લાંબા અને થકવી દેનારી પ્રચાર પછી હવે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે. મેં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માટે જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ શ્રીલંકાના લોકોએ તેમનો નિર્ણય લીધો છે અને હું અનુરા કુમારા દિસાનાયકે માટેના જનતાના આદેશનું સંપૂર્ણ સન્માન કરું છું. લોકશાહીમાં જનતાના નિર્ણયનું સન્માન કરવું અગત્યનું છે અને હું તેને કોઈપણ સંકોચ વિના સ્વીકારી રહ્યો છું. દિસાનાયકે અને તેમની ટીમને તેમની જીત બદલ હાર્દિક અભિનંદન.
આર્થિક સંકટ બાદ પ્રથમ ચૂંટણી
તમને જણાવી દઈએ કે 2022 માં ગંભીર આર્થિક સંકટ પછી શ્રીલંકામાં આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી.. શ્રીલંકાએ એપ્રિલ 2022 માં અનાજ, બળતણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત વચ્ચે નાદારી જાહેર કરી હતી. દેશમાં મહિનાઓ સુધી ચાલેલો વિરોધ હિંસક બન્યા પછ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને શ્રીલંકા છોડીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. થોડા અઠવાડિયા પછી સંસદે વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.


