એ-ડીવીઝન અને માલવીયાનગરમાં ગુનો દાખલ : ટુ વ્હીલર ચાલકોએ મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ
રાજકોટમાં એસટીના ડ્રાઇવર હુમલો કરવાની બે ઘટના બની હતી. જેમાં ટુ વ્હીલર ચાલકો દ્વારા મારામારી કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. રોડની વચ્ચો વચ્ચ ધીંગાણુ થતાં રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. હુમલામાં એ-ડીવીઝન અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદમાં રહેતાં એસટી ડ્રાઇવર કરશનભાઇ ભીલાભાઇ કોડીયાતર (ઉ.વ.3૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખંભાળીયા ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે ખંભાળીયાથી વડોદરા રૂટની એસટી બસ લઇ નીકળ્યા હતા. ડો.યાજ્ઞીક રોડ પર એકસેસનો ચાલક ઓવરટેઇક કરવા જતાં તેણે બસને બ્રેક મારી હતી. જેને કારણે એકસેસનો ચાલક અને પાછળ બેઠેલી મહિલા નીચે પડી ગયા હતા. તે સાથે જ તેનો ચાલક બસની ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી કેબીનની અંદર ઘસી આવ્યો હતો અને કહ્યું કે તને બસ ચલાવતાં આવડે છે કે નહીં.
ત્યારબાદ તેનો કાંઠલો પકડી, બેફામ ગાળો દઇ, મારકુટ શરૂ કરી હતી. બસના કંડકટર જાગૃતિબેન પટેલે મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કરતાં જ બસમાંથી નીચે ઉતરી ગયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે સરકારી કર્મચારીની ફરજ ઉપર હુમલા કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
સામા પક્ષે એકસેસ ચાલક હાર્દિક સુરેશભાઇ જોબનપુત્રા (ઉ.વ.3૧ રહે.રામવિહાર સોસાયટી શેરી નં.૨, નાનામવા રોડ)એ એસટી બસના ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે સેલોટેપનો વેપાર કરે છે. માતા ભારતીબેનને લઇને ગઇકાલે સવારે ઢેબર રોડ પરની બેન્કે આવ્યો હતો. ત્યાંથી પરત જતો હતો ત્યારે ડો.યાજ્ઞીક રોડ પર એસટી બસને ઓવરટેઇક કરવા જતાં બસની ડાબી બાજુનો આગળનો ભાગ તેના બાઇક સાથે અથડાયો હતો. જેને કારણે તે અને તેની માતા નીચે પડી ગયા હતા. તત્કાલ તેણે પત્ની જલ્પાને કોલ કરતાં તે આવી પહોંચી હતી. આ પછી તેણે બસ ચાલકને સરી રીતે બસ ચલાવવાનું અને નીચે ઉતરવાનું કહેતા તેની સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં મારામારી પણ કરી હતી. તેની માતાને ઇજા થતાં સિવિલમાં સારવાર લીધી હતી અને તેને પણ મુંઢ ઇજા થઇ હતી. પરંતુ સારવાર લીધી ન હતી. ઉલ્લેખનીય છે કે આ મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
બીજા બનાવમાં રાજકોટ ડેપોના એસટીના ડ્રાઇવર લાલાભાઇ ભીખુભાઇ ધાંધલ (ઉ.વ.3૧ રહે.આંબાવાડી શેરી નં.૪, સંતકબીર રોડ)એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગઇકાલે ભાવનગરથી રાજકોટ એસટી ડેપોમાં પેસેન્જરને ઉતારી બસને મેન્ટેનન્સ માટે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે લઇ જતા હતા. ત્યાં નજીકમાં પહોંચ્યા ત્યારે રોડની વચ્ચે એકટીવા ચાલતું હોવાથી હોર્ન માર્યુ હતું. જેથી એકટીવા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાનું વાહન ઉભુ રાખી દોડીને ડ્રાઇવર સાઇડના દરવાજા પાસે પગા પર પગ રાખી ઉપર ચડી બારીમાંથી હાથ કાઢી મોઢા અને નાક ઉપર મુક્કા ઝીંકી દીધા હતા.
જેથી નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું તે સાથે જ તેને દરવાજો ખોલી નીચે ઉતારી તમાચા ઝીંકવાનું શરૂ કર્યુ હતું. બેફામ ગાળો પણ ભાંડી સાથે રહેલા મહિલા અને અન્યોએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. ઉલટી થતાં સારવાર લીધી હતી. એકટીવા ચાલકે પોતાના મોબાઇલમાં શુટીંગ શરૂ કરી કહ્યું કે તું કેમ નોકરી કરીશ, હમણાં તને સસ્પેન્ડ કરાવું છું. સાથો સાથ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જો કે તેવામાં પોલીસ પહોંચી જતા આરોપીને લઇ ગઇ હતી. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ શ્યામલ ભરત જોશી (ઉ.વ.3૨) છે. જે ગોંડલના ગુંદાસરા ગામે રહે છે. પોલીસે તેની અટકાયત કરી હતી.


