- અંબાજીથી માંગરોળ રૂટની સ્લીપર કોચ ST બસને ગમખ્વાર અકસ્માત નડયો
- ગંભીર રીતે ઇજાગ્રસ્ત કંડકટર, પ્રવાસી મહિલાને સારવારઅર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા
- 40 જેટલા મુસાફરો ગાઢ નીંદર માણી રહ્યા હતા અને બસ અચાનક આડે પડખે થઈ જતા દોડધામ મચી
અમદાવાદ-રાજકોટ હાઈવે પર છેલ્લા એક માસથી ગોઝારા અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. ત્યારે ગુરુવારના મોડી રાતે અંબાજી-માંગરોળ રુટની એસટીની સ્લીપર કોચ બસ સાયલાના નવા સુદામડા પાસે પલટી ખાઇને ખેતરમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 40થી વધુ મુસાફરો ભરેલી બસના અકસ્માતથી ગાઢ નિંદરમાં સુઇ રહેલા મુસાફરો બેબાકળા થઇ ગયા હતા અને રાડારાડીના દ્રશ્યો સર્જાયા હતા. એસટી વિભાગના સુત્રોના વધુમાં જણાવ્યા અનુસાર આગળ જતા વાહને ઓચિંતી બ્રેક મારતા બસના ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. સાયલા પોલીસે પણ અકસ્માત બાબતે તપાસ હાથ ધરી હતી.
માંગરોળ ડેપોની અંબાજી-માંગરોળ રુટની એસટી બસ રાતે એકાદ વાગે સાયલા પસાર કરી ચોટીલા તરફ્ જઇ રહી હતી. ત્યારે નવા સુદામડા ગામના બોર્ડ પહેલા ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુની દસ ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ગલોટયા ખાતી ખેતરમાં પડી હતી. મધરાત બાદનો સમય હોવાથી તેમાં સવાર ચાલીસ જેટલા મુસાફરો જેઓ નિંદર માણી રહ્યા હતા. તેઓ જાગી ગયા હતા અને દેકારો મચી ગયો હતો. બસે પલ્ટી ખાધા બાદ અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો તેમજ રોડ પર પસાર થતા વાહન ચાલકોએ ઇજાગ્રસ્ત લોકોને મુળી 108 એમ્બ્યુલન્સમાં સાયલા સરકારી હોસ્પીટલ ખસેડીને સારવાર અપાવી હતી. એસટી બસના કંડકટર વિજયભાઇ જોંટવા ઉ.વ 29 તથા મુસાફરી કરી રહેલ મહીલા દુર્ગાબેન પંડીત(ઉ.વ.35 રહે. ઉબા, તા.વેરાવળ-સોમનાથ)ને ગંભીર ઇજાઓ થવાથી સાયલા દવાખાને પ્રાથમિક સારવાર આપી રાજકોટ શહેરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. અકસ્માતની જાણ થતા ચોટીલા એસટી ડેપોના કર્મીઓ સાયલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.


