- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, ઓસ્ટ્રેલીયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ
- સેલેબ્સ આવ્યા ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં, કરી પ્રસંશા
ICC mens World Cup 2023 ની ફાઇનલ મેચ ઘણી જ દિલ દુખાવે તેવી રહી. આ મેચમાં ઓસ્ટ્રેલીયાની સામે ભારતની કારમી હાર થઈ. ભારતીય ખેલાડીઓ પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એ હદે હાવી રહ્યા કે આખી ટીમ ઈન્ડિયા માત્ર 240 રનમાં સમેટાઇ ગઈ. તો બીજી બાજુ પોતાની ઇનિંગની મજબૂત શરૂઆત કરીને ઓસ્ટ્રેલીયાએ સરળતાથી 241નો લક્ષ્યાંક હાંસલ કરી દીધો અને ભારતને ફરી એકવાર ફાઇનલમાં હાર આપી. ભારતની હારથી દેશભરના ક્રિકેટ ફેન્સ નિરાશ થઈ ગયા. પરંતુ બૉલીવુડ સ્ટાર્સ હાર બાદ પણ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ સહિત તમામ અન્ય ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા.
કાજોલે વધાર્યો ટીમ ઈન્ડિયાનો જુસ્સો
ભારતીય ક્રિકેટ ટીમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મેચના વિડીયો દરેક જગ્યાએ છવાયેલા છે. જ્યાં ચાહકો ખેલાડીઓની મહેનતના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી કાજોલ, અભિનેતા અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરોયે ભારતીય ટીમની હિંમત વધારી હતી. ઈન્સ્ટા સ્ટોરી પર ફોટો શેર કરતા કાજોલે લખ્યું, ‘હાર કર જીતને વાલે કો બાજીગર કહતે હૈ. ટીમ ઈન્ડિયા, તમે ખૂબ સારું રમ્યા. ઓસ્ટ્રેલિયાને વધુ એક વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન.
અભિષેક બચ્ચન-વિવેક ઓબેરોયએ કર્યું ટ્વિટ
અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું કે, ભરપૂર પ્રયાસ છતાં આપણે સખત હાર જોઈ. આજે ભારતીય ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. તમારું માથું ઊંચું રાખો અને આ પ્રવાસ માટે તમારો આભાર. વિવેક ઓબેરોયે ટ્વીટ કર્યું, ‘મારું દિલ તૂટયું છે પરંતુ આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. આજનો દિવસ અમારા માટે મોટી જીતનો દિવસ હોઈ શકતો હતો, પરંતુ અમને હજુ પણ અમારા બ્લુ જર્સીવાળા ખેલાડીઓ પર ગર્વ છે. આગામી વર્લ્ડ કપ આપણો હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં આપણે બધાએ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળ્યા. આ મેચને દેશભરના લોકોની સાથે બોલિવૂડ સેલેબ્સ પણ જોઈ રહ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ઘણા લોકો તેને જોવા માટે આવ્યા હતા. શાહરૂખ ખાન, ગૌરી ખાન, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, આયુષ્માન ખુરાના, રણવીર સિંહ, વેંકટેશ અને અન્ય લોકો દર્શકોમાં બેસીને ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિના ફોટા અને વીડિયો છવાયેલા છે.


