એક સાધુ મહાત્મા ગુરુભગવંત પાસે આવ્યા. એમણે વિનંતી કરી ચાતુર્માસની આરાધના કરવા માટે મને આજ્ઞા આપો. સિંહની ગુફાના દ્વાર પાસે ઊભા-ઊભા ચાર માસ પસાર કરવાની મારી ભાવના છે, મને આપ આજ્ઞા આપો.
આચાર્ય શ્રી સંભૂતિવિજયજી પોતાના શિષ્યોને અભ્યાસ કરાવી રહ્યા હતા એ સમયે એક મહાત્માએ આવી આજ્ઞા માગી. એ સમયે અત્યારની જેમ ચાતુર્માસની આરાધના કરાવવા માટે મહાત્માઓ નગરમાં પધારવાની પદ્ધતિ ન હતી, પણ મહાત્માઓ પોતાની રીતે ઉત્કૃષ્ટ આરાધના કરતા. જોકે, પ્રવચન પ્રભાવક મહાત્માઓ પ્રવચન દ્વારા ત્યાગ-વૈરાગ્યનો પણ ઉપદેશ આપતા, પણ છતાંય વિશેષ તો આવા મહાત્માઓ પોતાની સાધના-આરાધનાનું લક્ષ્ય મુખ્ય રહેતું.
આ મહાત્માએ ગુરુદેવ પાસે જે આજ્ઞા માગી એમાં એમણે ચાર માસ દરમિયાન સિંહની ગુફા પાસે સળંગ ઊભા રહેવાનું. ચાર માસના ઉપવાસ કરવાના અને ઊભા-ઊભા ધ્યાન કરવાનું. સિંહ આવે કદાચ તો પણ પોતાનું સ્થાન છોડવાનું નહીં. કદાચ સિંહ આવે અને ત્રાડ પાડે કે પછી પાસે આવીને આક્રમણ પણ કરે તો એણે એનો કોઈ જાતનો પ્રતિકાર ન કરવાનો. એમ કરતા કદાચ સિંહ ફાડી ખાય તો પણ સમભાવથી સહન જ કરવાનું.
એ જ રીતે બીજા મુનિ પણ ગુરુજી પાસે આવ્યા. ગુરુજીને વંદન કરીને આજ્ઞા માગી. મારે સર્પના બિલ પાસે રહીને ચાર માસ સાધના કરવાની ભાવના છે. આપ આજ્ઞા આપો. આ રીતે સાધના કરવામાં એ મુનિ મહાત્માઓની ભાવના પોતાની શક્તિના પ્રદર્શનની ના હોય પણ પોતાની નિર્ભયતાની ચકાસણી કરવાની એમની અંતરની વાત હોય.
ગુરુ પણ જ્યારે આવા મહાત્મા આજ્ઞાની માંગણી કરે ત્યારે પોતાની યોગદૃષ્ટિથી વિચારી લે કે આ મહાત્મા જે રીતની સાધના કરવાની વિચારણા કરે છે એના માટે એમની યોગ્યતા છે કે કેમ? એ પછી જ્યારે એમને યોગ્ય જણાય તો જ ગુરુદેવ એમને એ રીતે ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી દે, પણ જો એમને કંઈક અજુગતું દેખાતું હોય તો મના પણ કરી દે.
એ મહાત્માને પણ ગુરુદેવે આજ્ઞા આપી દીધી. એ મહાત્મા ખુશ થતાં થતાં પોતાના આસન ઉપર જઈને બેસી ગયા.
એ પછી ત્રીજા એક મહાત્મા ગુરુ ભગવંત પાસે આવ્યા. એમણે વિનંતી કરી. કૂવા ઉપર આડું લાકડું રહેતું, એની ઉપર ઊભા રહીને ચાર માસ આરાધના કરવાની અનુમતિ આપો. ચાર માસ સુધી ઊભા જ રહેવાનું. બેસવાનું કે ઊંઘવાનું નહીં. ચાર મહિના ઉપવાસ કરીને જ રહેવાનું.
આવી આજ્ઞા માગી અને ગુરુજીએ એમની વાતનો પણ સ્વીકાર કરી લીધો. એમની વાત સાંભળીને સ્થૂલભદ્રજી મુનિએ ગુરુજીની પાસે વિનંતી કરી. ભગવંત મારી ભાવના છે. કોશાના ઘેર એની નાટકશાળામાં ચાતુર્માસ કરવાની અને સાથે ષટ્રસ ભોજન કરવાની પણ અનુમતિ આપશો.
સામાન્ય સંજોગોમાં આ રીતની આજ્ઞા કોઈ માગે નહીં અને કદાચ કોઈ માગે પણ તો એની વાત માને નહીં, કારણ કે સાધુ મહાત્મા માટે ચારિત્રનું મહત્ત્વ હોય છે. આ બધી વસ્તુઓ ચારિત્રમાં બાધા કરવાની છે. કોશાએ પટનાની નગરવધૂ છે. બીજા નંબરમાં ષટ્રસ ભોજન એ વિકારનું ઉત્તેજક હોય છે અને વર્ષાકાળ પણ વિકારના ઉત્તેજક હોય. આ બધી વસ્તુઓ ભેગી થાય એનું પરિણામ સામાન્ય સંયોગોમાં ચારિત્રનું પતન થાય પણ આ વાત સ્થૂલભદ્રમુનિની છે અને એમણે ગુરુભગવંત પાસે આજ્ઞા માગી અને ગુરુભગવંતે એની માગણીનો સ્વીકાર કર્યો અને રજા આપી.
સ્થૂલભદ્રમુનિ કોશાના ઘર તરફ આગળ વધી રહ્યા છે. કોઈએ જ્યારે કોશાને સમચારા આપ્યા કે જૈન મુનિ તમારા ઘર તરફ આવી રહ્યા છે. કોશા પોતાના ઘરના આંગણા સુધી આવી ત્યાં તો સ્થૂલભદ્રજીને જોયા ઉભયની દૃષ્ટિ મળી. કોશાનું મુખ સિવાઈ ગયું છે એની જીભ જાણે ચોંટી ગઈ છે. સ્થૂલભદ્રજી સ્થિર અને મક્કમ પગલે આવી રહ્યા છે.
કોશા, તારા ઘરે રહેવા આવ્યો છું જો તને અનુકૂળ હોય તો. અનુકૂળ હોય તો? તમારા અહીંથી ગયા પછી મેં કેવી રીતે દિવસો પસાર કર્યા છે એ તો મારું મન જાણે છે અને તમે મારી અનુકૂળતાની વાત કરો છો? આ ઘર જ નહીં આ કોશા પણ તમને સમર્પિત છે. મને વિશ્વાસ હતો કે મારા સ્થૂલભદ્ર અવશ્ય મારી પાસે આવશે જ. આજે મારી આશા સફળ બની છે. કોશાએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. ઘરમાં ગયા પછી સ્થૂલભદ્રે કોશાને સમજાવ્યું, હવે હું જૈન શ્રમણ બન્યો છું. મારી ચર્યાને તારે સમજવી પડશે. તું મને સ્પર્શ કરી શકીશ નહીં. એ સિવાય તારી મરજીમાં આવે એમ કરીશ તો મને વાંધો નથી.
ગીત, નૃત્ય અને સંગીતનો ઉપયોગ તારી મરજીમાં આવે એ પ્રમાણે કરી શકીશ. મારા માટે અકલ્પ્ય હોય એ સિવાયનું ભોજનનો પણ મને વાંધો નથી, એટલે કે ભલે વિકાર કરવાવાળો હોય, પણ મારા માટે કલ્પ્ય હોય એવો આહાર આપી શકીશ.
એમને પોતાને પોતાની જાત ઉપર વિશ્વાસ કેવો રહ્યો હશે. પૂર્વ પરિચિત વારાંગના છે. જેને પોતાના માટે અત્યંત રાગ છે અને એક સમયે પોતાને પણ જેના માટે અત્યંત રાગ હતો. જેના કારણે બાર વર્ષ સુધી એ પોતે પોતાનાં માતા-પિતાની પાસે ગયો નથી, અરે કોશાને છોડીને ક્યાંય ગયો નથી. પોતાના પિતાના અવસાન સમયે પણ કોશાના રાગના-મોહના કારણે ક્યાંય જઈ શક્યો નથી, એવા સ્થૂલભદ્રને પોતાની જાત ઉપર વિશ્વાસ કેટલો હશે. વિકાર ઉત્પન્ન કરવાવાળી ગમે તેવી પરિસ્થિતિનું સર્જન ભલે કોશા કરતી તન અને મનથી હું સ્વસ્થ છું. એના ગમે તેવા ઉપચારો મારા મનને વિચલિત કરી શકશે નહીં. આવા વિશ્વાસ વગર આ કેવી રીતે શક્ય બને?
કોશાએ આપેલા મહેલના કમરાને એમને પોતાની સાધના ભૂમિ બનાવી છે. ભોજનના સમયે ભલે ભોજન કરવાનું, પણ એ સિવાયના સમયમાં પલાઠી વાળીને બેસી જ રહેવાનું. જોકે, મનમાં સ્વાધ્યાય અને પરમાત્માનું સ્મરણ ભલે ચાલતું હોય, પણ આંખ અને કાન તો રાગના-આસક્તિના દૃશ્યોના સાક્ષી તો બને જ ને! પણ એના વૈરાગ્યના ગઢમાં એક કાંકરી પણ કોશા સરકાવી શકી નહીં. બલકે કોશાને સ્થૂલભદ્રની સાધનાએ આકર્ષી. એમના આચરણે એને ભગવાન મહાવીરની શુદ્ધશ્રાવિકા બનાવી.
અલબત્ત કોશાએ પણ પોતાની કળા બતાવવામાં કોઈ જ કચાશ રાખી નથી. પોતાની તમામ તાકાતનો ઉપયોગપૂર્વક અભિનય કરી. સાથે સાથે એને કેટલી આસક્તિ છે એની અભિવ્યક્તિ પણ નૃત્ય અને સંગીતના સહારે પ્રગટ કરી છે, છતાં પણ જ્યારે સ્થૂલભદ્રનો કોઈ પ્રતિભાવ નથી મળતો ત્યારે ઠપકો આપવા દ્વારા પણ એ ભૂલી નથી છતાં પણ એની તમામ મહેનત જ્યારે પાંગળી બની અને ચાતુર્માસ પૂર્ણ થયું ત્યારે એ સહીસલામત એટલે કે પોતાના વ્રતને અખંડ રાખવાપૂર્વક વિદાય થયા ત્યારે કોશા મનમાં વિચારતી હશે કે મારા પ્રત્યેના રાગના સમયમાં આ માણસ જેટલો મને સમર્પિત હતો એટલો જ આજે અત્યારે એ સંયમ જીવનના પરિપાલનમાં પણ સમર્પિત છે. સ્થૂલભદ્રજીની પોતાના સંયમ જીવનની આવી સંનિષ્ઠાએ એને પોતાના જીવનનું વિશ્લેષણ કરવાની ફરજ પાડી. એણે એ સમયે નિર્ણય કર્યો, નગરવધૂ તો છું જ, પણ છતાંય રાજાના આદેશ સિવાયના વ્યક્તિઓ માટે મારે સંયમિત રહેવું. એના માટે આવો નિયમ પણ ઘણો મોટો હતો.
જ્યારે એ ગુરુની પાસે પહોંચ્યા ત્યારે ગુરુએ પણ ઊભા થઈને એમનો આદર કરતા શબ્દોનો પ્રયોગ કર્યો. દુષ્કર દુષ્કર કરવાવાળા આવો વધારો.
કોઈ ભલે સમજે કે આમા કરવાનું શું? પણ એમણે પોતાના ચિત્તને સંયમિત રાખી શક્યા એવું કરવાની શક્તિ બહુ ઓછામાં હોય છે. સંયમજીવનમાં અભ્યાસ અને સ્વાધ્યાયનું મહત્ત્વ હોય છે.
સ્થૂલભદ્રમુનિ બુદ્ધિશાળી હતા. એમનો ભાવ ચૌદપૂર્વના અભ્યાસનો હતો. ચૌદપૂર્વના પારંગત એ સમયે આચાર્ય ભદ્રગુપ્ત સ્વામીજી હતા, પણ એ વિશિષ્ટ ધ્યાનમાં ઊંડા ઉતરેલા હતા. એટલે એમની પાસે સમય ન હતો, પણ સંઘની આજ્ઞાનો સ્વીકાર કરીને સ્થૂલભદ્રમુનિ ભણાવવાનો સ્વીકાર કરેલો.
ભદ્રબાહુસ્વામીજી નેપાળના પહાડની ગુફામાં વિચરી રહ્યા હતા. સ્થૂલભદ્રજીને ભણાવવા સિવાયનો સમય પહાડની ગુફામાં સાધના કરવામાં જતો હોય બંને પોતપોતાના કામમાં મસ્ત હતા.
સ્થૂલભદ્રજીની સાત બહેનો હતી. એકવાર એમને પોતાના ભાઈ મહારાજને વંદન કરવાનો ભાવ થયેલો. ઘણે દૂરથી આવેલા. ભદ્રબાહુસ્વામીજીને વંદન કર્યા. ભાઈ મહારાજના સમાચાર પૂછયા. એમને વંદન કરવાની અનુજ્ઞા માગી.
ગુરુદેવે કહ્યું, બાજુના પહાડની ગુફામાં છે. તમે વંદન કરી આવો. ત્યાં જઈને જોયું તો એક સિંહ બેઠેલો હતો. ચહેરા ઉપર ભયના ભારને લઈને આવ્યા. ગુરુદેવને ફરિયાદ કરી ત્યાં તો ભાઈ નથી સિંહ છે. (સિંહે ભાઈને ફાડી ખાધા હશે.) ચિંતા તો થાય જ ને!
ગુરુદેવે જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું અને કહ્યું, તમે પાછા જાવ, તમારા ભાઈ મહારાજ ત્યાં જ છે. ફરીને જઈને જુએ છે તો સ્થૂલભદ્રજી સ્વાધ્યાય કરી રહેલા હતા. એમણે બહેનોને ચમત્કાર બતાવવાના આશયથી સિંહરૂપ કરેલું, પણ આના કારણે ગુરુ ભદ્રગુપ્તે આગળ અભ્યાસ કરાવવાનું બંધ કરેલું.
શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે કરવાનો હોય?
શિયલમાં પ્રકાશ્યા તો પ્રદર્શનમાં ભૂલ્યા. આપણે સ્થૂલભદ્રજીની જેમ શિયલનું પાલન કરવા દૃઢ બનીએ અને સાચા અર્થમાં અભ્યાસ કરીને જીવનમાં આગળ વધીએ એ જ એક આશા.