- ગઈકાલે મદરેસા હટાવવા બુલડોઝર સાથે પહોંચી હતી ટીમ
- હલ્દવાનીમાં ભડકેલી હિંસાને કારણે ઘણું નુકશાન થયું
- પથ્થરમાર વાંચહ માંડ માંડ જીવ બચાવીને ભાગી શકી પોલીસ
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં ગુરુવારે ભડકેલી હિંસાને કારણે ઘણું નુકશાન થયું છે. આગચંપી, તોડફોડ, ફાયરિંગ અને પથ્થરમારામાં 4 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અહીં ગેરકાયદે રીતે બનેલી મસ્જિદ અને મદરેસાને હટાવવા માટે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પોલીસ દળ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા અને વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી.
વહીવટી તંત્રએ સ્થિતિ પર નિયંત્રણ માટે આખા શહેરમાં કર્ફ્યૂ લગાવી દીધો અને તોફાની તત્વોને શૂટ એટ સાઇટ – જોતાં જ ગોળી મારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. શુક્રવારે જુમ્માની નમાજને ધ્યાનમાં રાખીને ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, હાલ ભલે ત્યાં શાંતિ હોય, પરંતુ જ્યારે સમગ્ર ઘટના બની ત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક હતી. પોલીસકર્મીઓ કોઈક રીતે જીવ બચાવીને ત્યાંથી મહામુશ્કેલીએ ભાગી છૂટ્યા હતા. તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે પણ પણ તેમના પર પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી. કોઈક રીતે એક ઘરમાં છુપાઈ ગયા, પરંતુ ત્યાં પણ પથ્થરો ફેંકવામાં આવ્યા. ઘરના બારી-બારણા તોડી નાખવામાં આવ્યા.
મહિલા પોલીસકર્મીએ જણાવી આપવીતી
એક ઘાયલ મહિલા પોલીસકર્મીએ સમગ્ર ઘટનાને લઈને પોતાની આપવીતી જણાવી. મહિલા પોલીસકર્મીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ માંડ માંડ બચીને નીકળી શક્યા. તેમણે જણાવ્યું કે પથ્થરમારો થયો તો તેઓ એક ઘરમાં સંતાઈ ગયા. અમે કમ સે કમ 15-20 લોકો હતા જેઓ જીવ બચાવવા માટે ઘરમાં ઘૂસી ગયા હતા. ટોળાએ આગ લગાવવાના પણ પ્રયાસો કર્યા, પથ્થરમારો કર્યો, બધુ જ કર્યું. બાદમાં મહામુસીબતે નીકળી શક્યા. ચારે બાજુથી પથ્થર મારવામાં આવી રહ્યા હતા. માંડ-માંડ નીકળી શક્યા. સ્થિતિ અત્યંત ખરાબ હતી.
મહિલા પોલીસકર્મીએ આગળ જણાવ્યું કે ત્યાં બધી બાજુ, શેરીઓમાં પથ્થરમારો થઈ રહ્યો હતો. એ લોકોએ શેરીઓ ઘેરી લીધી હતી અને છત પરથી પણ આવતા હતા. અમે 15-20 લોકો એક ઘરની અંદર હતા. અમે ફોન કરીને લોકેશન મોકલ્યું. જે શખ્સે અમને બચાવ્યા તેની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેમના ઘર, બારી-બારણા તોડી નાખવામાં આવ્યા હતા. બાદમાં અમે લોકેશન મોકલ્યું ત્યારે ફોર્સ આવી. ત્યારબાદ, તેઓ અમને બહાર લઈ ગયા. અમે ભાગીને બહાર આવી રહ્યા હતા ત્યારે ઉપરથી કાચ, બોટલ, ઇંટો વગેરે ફેંકવામાં આવ્યા. રસ્તામાં જામ થયો અને અમે બહુ મુશ્કેલીથી બચી શક્યા. હું ચાલી નહોતી શકતી. ખૂબ જ દુખાવો થયો હતો.’
ગઈકાલે મદરેસા હટાવવા બુલડોઝર સાથે પહોંચી હતી ટીમ
નૈનીતાલના ડીએમ વંદના સિંહે કહ્યું કે હાઈકોર્ટે બાનભૂલપુરા વિસ્તારમાં બનેલી મદરેસા અને મસ્જિદને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ જમીન પર કોઈનો માલિકી હક્ક નથી અને ન તો મદરેસા અને મસ્જિદને ધાર્મિક સંરચના તરીકે નોંધવામાં આવી હોય તેવો કોઈ રેકોર્ડ છે. તેમણે કહ્યું કે લોકો આ જમીનને મલિકનો બગીચો કહે છે, પરંતુ આવો કોઈ સરકારી દસ્તાવેજ નથી.
વંદના સિંહે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ પર શહેરમાં વિવિધ સ્થળોએ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 30 જાન્યુઆરીના રોજ, અહીં બનેલી બે ઈમારતો પર નોટિસ લગાવવામાં આવી હતી, જેને કેટલાક લોકો મદરેસા અને મસ્જિદ કહે છે, તેમને ખાલી કરવા માટે કહ્યું હતું, તેમને હટાવી દેવામાં આવશે.


