- શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ અપાયો
- મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન
- મેથ્યુઝના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે શાકિબ અલ હસનને આપી ધમકી
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને વર્લ્ડકપ 2023ની 38મી મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરી દીધો હતો. મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. પરંતુ આ મામલો શાંત થવાને બદલે વધુ વેગ પકડી રહ્યો છે. હવે શાકિબ અલ હસનને ધમકી આપવામાં આવી છે કે શ્રીલંકામાં તેના પર પથ્થર ફેંકવામાં આવશે.
શાકિબને ધમકી મળી
શાકિબને આ ધમકી બીજા કોઈએ નહીં પણ એન્જેલો મેથ્યુસના ભાઈ ટ્રેવિન મેથ્યુઝે આપી છે. ટ્રેવિને કહ્યું, “અમે ખૂબ જ નિરાશ છીએ.બાંગ્લાદેશી કેપ્ટન પાસે ખેલદિલી નથી અને તેણે જેન્ટલમેનની રમતમાં માનવતા દર્શાવી નથી.” તેણે આગળ કહ્યું, “અમે તેમના કેપ્ટન અને ટીમના બાકીના ખેલાડીઓ પાસેથી ક્યારેય આ પ્રકારની અપેક્ષા રાખી ન હતી. શાકિબનું શ્રીલંકામાં સ્વાગત નહીં થાય. જો તેઓ અહીં કોઈ ઈન્ટરનેશનલ કે લંકા પ્રીમિયર લીગ મેચ રમવા આવશે તો તેમના પર પથ્થરમારો કરવામાં આવશે અથવા તેમને ફેન્સના રોષનો સામનો કરવો પડશે.”
શું છે સમગ્ર મામલો
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે શ્રીલંકાની ટીમે 24.2 ઓવરમાં સદિરા સમરવિક્રમાના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ મેથ્યુઝ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. જ્યારે મેથ્યુઝે ક્રિઝ પર આવ્યા પછી હેલ્મેટને કડક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેનો પટ્ટો તૂટી ગયો અને તેણે હેલ્મેટ બદલવાનો ઓર્ડર આપ્યો. આ બધામાં 2 મિનિટથી વધુ સમય વીતી ગયો. વર્લ્ડકપની પ્લેઈંગ કન્ડીશન મુજબ, બેટ્સમેન આઉટ થયા પછી અથવા રિટાયર્ડ હર્ટ થયા પછી, બીજા બેટ્સમેને 2 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર થઈ જવું જોઈએ.
આ દરમિયાન 2 મિનિટથી વધુ સમય પસાર થતો જોઈને બાંગ્લાદેશના એક ખેલાડીએ કેપ્ટન શાકિબ અલ હસનને ટાઈમ આઉટ માટે અપીલ કરવા કહ્યું અને કેપ્ટને તેમ કર્યું. જો કે, અમ્પાયરે પણ શાકિબ સાથે પુષ્ટિ કરી કે શું તે ખરેખર આવું કરવા માંગે છે? જેની સાકિબે પુષ્ટિ કરી હતી. જો કે આ દરમિયાન મેથ્યુઝે અમ્પાયર અને શાકિબને પોતાની હેલ્મેટની તૂટેલી પટ્ટી પણ બતાવી હતી, પરંતુ બાંગ્લાદેશી કેપ્ટને અપીલ પાછી ખેંચી ન હતી અને આખરે મેથ્યુઝને આઉટ આપવામાં આવ્યો હતો.


