- પ્રકૃતિમાં, દરેક વસ્તુ તેની મહત્તમ હદ સુધી અને પોતાની પૂરેપૂરી ક્ષમતાથી પોતે વપરાવાનો પ્રયત્ન કરી રહી છે
8 અબજ લોકોની વસતી સાથે આજે પણ, જો આપણે સમજદારીપૂર્વક જીવતા શીખી જઈએ તો આપણી પાસે પૃથ્વી પર હજુ પણ પૂરતાં સંસાધનો છે, પરંતુ મોટાભાગની માનવતા તેવી સમજદારીથી નથી જીવી રહી. જીવન પ્રત્યે એ માનસિકતા અને વલણ હંમેશાંથી રહ્યું છે, પરંતુ વસ્તુઓનું પ્રમાણ અને તેને કરવા માટેની આપણી ક્ષમતા આજે અસાધારણ રીતે વધી ગઈ છે. ગુફામાં રહેનારા માનવીઓમાં પણ, જે સૌથી તાકાતવર હતો તે વધુ ભેગું કરવાનો પ્રયાસ કરતો. જો તેની ગુફામાં માંસ સડી જતું હોય તો પણ તેની જોડે રેફ્રિજરેટર નહોતું, તેનાથી કોઈ ફરક નહોતો પડતો, તેણે બીજાઓ કરતાં વધારે ભેગું કરવું જ હતું.
એક વાર તમે અર્થવ્યવસ્થાનો વિચાર કરતા થાઓ અને લોભની સ્થિતિમાં આવી જાઓ, પછી અછત તમારા મનમાં એક મોટી વસ્તુ બની જાય છે. એક વાર અછત એક મોટી વસ્તુ બની જાય, પછી તમારી જાતને બચાવવી બહુ અઘરી છે, પરંતુ તમે તે ક્યારેય નથી સમજ્યા કે જીવનને બચાવી ન શકાય, તેને ફક્ત વાપરી શકાય છે અને તમે જે કંઈ પણ વાપરતા હોવ, તમે જે આપશો તે તમારો ગુણ હશે. જો તમે તમારા આનંદને બચાવીને રાખો, તો તમારા જીવનના અંતે કોઈ તેની નોંધ નથી રાખવાનું, `તેણે દરેક આનંદને પોતાનામાં બચાવીને રાખ્યો. તે બહુ જ આનંદપૂર્વક મૃત્યુ પામી.’ તેઓ કહેશે, “આ ભયાનક પ્રાણી તેના જીવનમાં ક્યારેય હસ્યું પણ નથી.”
પણ જો તમે દરરોજ તમારો આનંદ અને પ્રેમ વહેંચ્યાં હશે, તો લોકો કહેશે, `ઓહ! તે એક આનંદિત અને પ્રેમાળ વ્યક્તિ હતી.’ જો તમે તે બધાને બચાવીને રાખશો, તો તે એક ગુણ નહીં બને. તમે જે બચાવો છો તે તમારો ગુણ ક્યારેય નહીં બને. તમે જે વહેંચશો તે તમારો ગુણ હશે.
પ્રકૃતિમાં, દરેક વસ્તુ તેની મહત્તમ હદ સુધી અને પોતાની પૂરેપૂરી ક્ષમતાથી પોતે વપરાવાનો પ્રયત્ન કરી રહી છે. ફક્ત માણસો જ બચાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ તેમની ખુશીઓ, તેમના પ્રેમ અને તેમની દરેક મૂલ્યવાન વસ્તુને બચાવી રાખે છે, એટલે તેમણે પોતાની જાતને ખુશ કરવા માટે બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે છે. જો માણસ બસ બેઠા બેઠા જ એકદમ આનંદિત રહી શકે, તો તેઓ તેમની સાંજની વાઈન કે વ્હિસ્કી વિશે નહીં વિચારે. જો દરેક ક્ષણે લોકો તેમની અંદર ખુશી, પ્રેમ અને પરમાનંદથી છલકાતા હોય, તો શું તેઓ ડ્રિંક, સેક્સ કે બીજા કંઈ વિશે વિચારશે? તેઓ બસ એમ જ ઠીક હશે. આવા વિચારો તેમના મનમાં આવશે પણ નહીં.
આ જીવનને બચાવી રાખવાનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. તમે તેને ક્યાંય નથી લઈ જઈ શકવાના. તમારે હાલ જ, તેને સંપૂર્ણ રીતે ખીલવા દેવું પડશે, અહીં જ, બીજે ક્યાંક નહીં. તો, જીવનની સુગંધને સાચવી રાખવાનો પ્રયત્ન ન કરશો. જેઓ બચાવી રાખશે તેઓ બહુ દુર્ગંધ ફેલાવશે. જેઓ ખૂલીને વહેંચશે, તેઓ સુગંધથી ભરપૂર માણસો બનશે.