- તા. 12મી ડિસે.થી તા.30મી જાન્યુઆરી સુધી ટ્રેન દોડાવાશે
- થાન, સુરેન્દ્રનગર સહિત કોઈપણ સ્ટેશને સ્ટોપેજ ન અપાયું
- ટ્રેન શરૂ થાય તે પહેલા ઝાલાવાડમાં સ્ટોપેજ અપાય તેવી મુસાફરોની માંગ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડીવીઝન દ્વારા વેરાવળ-સુરત-વેરાવળ વચ્ચે સાપ્તાહીક એકસપ્રેસ ટ્રેન તા. 12મી ડિસેમ્બરથી તા.30મી જાન્યુઆરી સુધી દોડાવવામાં આવનાર છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર કે થાન સ્ટેશને કયાંય આ ટ્રેનને સ્ટોપ ન અપાતા રોષની લાગણી ફેલાઈ છે.
રાજકોટ અને અમદાવાદ વચ્ચે ઝાલાવાડનું મુખ્ય મથક એવા સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન આવે છે. રેલવે તંત્ર જાણે ઝાલાવાડ પ્રત્યે ઓરમાયુ વર્તન કરતુ હોય તેમ અવારનવાર ટ્રેનોને જિલ્લામાં સ્ટોપ મળતુ નથી. પછી રજૂઆતો અને નેતાઓની દરમિયાનગીરી બાદ રેલવે વિભાગ સ્ટોપ આપે છે અને તેનો જશ નેતાઓ લઈ જાય છે. ત્યારે આગામી તા. 12મી ડિસેમ્બરથી 30મી જાન્યુઆરી સુધી ચાલનાર વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહીક એકસપ્રેકસ ટ્રેનને પણ ઝાલાવાડમાં કયાંય સ્ટોપ અપાયુ નથી. રેલવે વિભાગના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આ ટ્રેન તા. 11ના રોજ સોમવારે સુરતથી 19-30 કલાકે ઉપડી બીજા દિવસે મંગળવારે સવારે 8-05 કલાકે વેરાવળ પહોંચશે. જયારે વેરાવળથી તા. 12ને મંગળવારે 11-05 કલાકે ઉપડી તે જ દિવસે રાત્રે 23-45 કલાકે સુરત પહોંચશે. અને બન્ને તરફ ટ્રેન માળીયાહાટીના, કેશોદ, જુનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશને ઉભી રહેશે. આમ, જિલ્લાના થાન અને સુરેન્દ્રનગર કે લખતર એકપણ સ્ટેશને આ ટ્રેનને સ્ટોપ આપવાનું રેલવે તંત્રને મુનાસીબ લાગ્યુ નથી. આટલુ જ નહી પરંતુ અમદાવાદ ગ્રામ્યના અગત્યના એવા વિરમગામ સ્ટેશનનો પણ છેદ ઉડાડી દેવાયો છે. ત્યારે ટ્રેન શરૂ થાય તે પહેલા ઝાલાવાડમાં સ્ટોપેજ અપાય તેવી મુસાફરોની માંગ છે.


