આ ફાઇલ ઘટના બન્યા બાદ કોના ઇશારે તુરંત ગુમ થઇ? : સીટ અને સીટી ક્રાઇમની તપાસ એજન્સીઓ ગોથા ખાઇ છે ત્યારે ત્રીજી ફેકટ ફાઇન્ડિંગ કમિટીની રચના
રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમાં ૨૭ લોકોના મૃત્યુ થયા તેની તપાસમાં તંત્ર હજુ ફીફા ખાંડી રહ્યું છે. સીટ અને સ્થાનિક સીટી ક્રાઇમ પોલીસની તપાસ એજન્સી કાર્યરત હોવા છતાં હજુ સુધી અનેક બાબતોનો ભેદ ઉકેલી શકાયો નથી. પોલીસ કમિશનર, આરએમસી કમિશનર અને મનપાના ચીફ ફાયર ઓફિસર સુધી તપાસ પહોંચી નથી કે તેમની સામે ગુનો નોંધાયો નથી. બીજી બાજુ લોકોની સામે જ પોલીસ કમિશનર કચેરીમાંથી ટીઆરપી કાંડની ફાઇલ ગુમ થઇ ગઇ છે. આ ફાઇલ ગુમ થઇ જતાં હવે સરકારે જેના પર શંકા હોય તેના પર કડક પગલા લેવા તાકીદ કરી છે. આ માટે ખાસ ફેકટ ફાઇન્ડિંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે. હવે ત્રણ-ત્રણ કમિટી એક અગ્નિકાંડની તપાસ કરશે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટના ગેમઝોન કે જયાં આવી દુર્ઘટના બની હતી તેને લાયસન્સ આપવાની ફાઇલ પોલીસ કમિશનરેટમાંથી ગૂમ થઇ ચૂકી છે. સીટના અધિકારીઓ આ ફાઇલને શોધી રહ્યાં છે પરંતુ હજી સુધી પત્તો મળતો નથી તેથી પોલીસ કમિશનરેટના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની સૂચના ગૃહ વિભાગ તરફથી આપવામાં આવી છે. આ ઘટના સંદર્ભે અદાલતના અવલોકન અને આદેશને પગલે સચિવાલય તેમજ સ્વર્ણિમ સંકુલમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાઇલેવલની સત્યશોધક કમિટી નાની- મોટી માછલીઓની તપાસ કરશે અને જવાબદારો સામે ખાતાકીય તપાસ અને પગલાં સૂચવશે. જો કે આ કમિટીની રચના છતાં સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની તપાસ ચાલુ રહેશે. આ ટીમ તેનો સંપૂર્ણ અહેવાલ ૨૦મી જૂનના રોજ સરકારને સુપ્રત કરશે.
સચિવાલયના આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું કે સીટની તપાસમાં જે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે તેવા મુદ્દા આ નવી તપાસ કમિટી સમક્ષ પણ આવશે. એ ઉપરાંત અગ્નિકાંડની ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ સાથે પદાધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાશે. સીટ અને ફેકટ ફાઇન્ડિંગ કમિટી જે કોઇ શંકાસ્પદ કે જવાબદાર અધિકારી કે પદાધિકારીને પૂછપરછ માટે બોલાવે તેમણે ફરજીયાત હાજર થવું પડશે.


