સહપાઠીએ બે વિદ્યાર્થીને આંતરી લોખંડના પાઇપ ફટકાર્યા
જેતપુર નજીક આવેલી ધારેશ્વર આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે જૂની અદાવતનું વેર લોહીયાળ સંઘર્ષમાં પરિણમ્યું છે. સંસ્થામાં જ અભ્યાસ કરતા એક શખ્સે તેના જ બે સહપાઠીઓ પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે. હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ધારેશ્વર આઈટીઆઈમાં અભ્યાસ કરતો કેવીન મનસુખભાઈ બગડા અને તેનો મિત્ર આજે સંસ્થાએથી છૂટીને સોલે હોટલ પાસે ઊભા હતા. આ દરમિયાન ત્યાં જ અભ્યાસ કરતો અરમાન કોરાડીયા નામનો વિદ્યાર્થી લોખંડનો પાઈપ લઈને ધસી આવ્યો હતો. અરમાને કંઈ પણ સમજ્યા વગર કેવીન અને તેના મિત્ર પર પાઈપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં કેવીનને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેના મિત્રને માથામાં પાઈપ વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.
ભોગ બનનાર કેવીન બગડાના જણાવ્યા મુજબ, ગઈકાલે કોલેજમાં ‘માવા’ (તંબાકુ) ખાવા બાબતે સાહેબે વિદ્યાર્થીઓને ઊભા કર્યા હતા અને પૂછપરછ કરી હતી. આ સમયે અંદરોઅંદર નામ આપવા બાબતે બોલાચાલી થઈ હતી અને અરમાને તેને બિભત્સ ગાળો આપી હતી. આ વાતનો ખાર રાખીને અરમાને આજે મોકો જોઈને હિંસક હુમલો કર્યો હતો.
હિંસક હૂમલાને પગલે શૈક્ષણિક જગતમાં ચિંતા
ધરેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ અથડામણને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત કેવીનનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી. એક જ સંસ્થામાં અભ્યાસ કરતા યુવાનો વચ્ચે નાની બાબતમાં થયેલા આ હિંસક હુમલાને પગલે શૈક્ષણિક જગતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.


