- અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
- વિરોધ કરી રહેલા લોકોને અટકાવવા આવેલ પોલીસ સાથે ઘર્ષણ
- ઉશ્કેરાયેલા લોકોએ સરકારી વાહનો અને પોલીસ વાન સળગાવી
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બેહાલામાં એક શાળા પાસે શુક્રવારે સવારે ટ્રક સાથે અથડામણમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે રોષે ભરાયેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસના વાહનો અને સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. જેમાં ચાર પોલીસકર્મીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. આ મામલે પુલિષ્ઠાના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, બેહાલામાં શુક્રવારે સવારે બરીશા હાઈસ્કૂલના બીજા ધોરણના વિદ્યાર્થી સોર્નિલ સરકારને એક ટ્રકે કચડી નાખ્યો હતો. વિદ્યાર્થીના પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીના મોતથી રોષે ભરાયેલા વાલીઓ અને સ્થાનિક લોકોની સાથે સાથે બરીશા હાઈસ્કૂલના મુખ્ય શિક્ષકે પણ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ કોલકાતા પોલીસ કમિશનર (CP) વિનીત ગોયલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે કહ્યું, જે થયું તે ખૂબ જ દુઃખદ છે. આવું કેમ થયું તેની તપાસ કરવામાં આવશે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે સવારે માટી લઈ જતી ટ્રકે સ્કૂલના વિદ્યાર્થી અને તેના પિતાને ટક્કર મારી હતી. જેમાં વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ, સ્થાનિક લોકોએ ડાયમંડ હાર્બર રોડ પર વિરોધ શરૂ કર્યો હતો. બેહાલા ચાર રસ્તા પાસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. અનેક સરકારી બસોમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર લોકો રોષે ભરાયા હતા. દેખાવકારોએ પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી. લોકોએ અનેક સરકારી બસોમાં તોડફોડ પણ કરી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. સ્થાનિક લોકોએ મૃતદેહને રસ્તા પર રાખી વિરોધ કર્યો હતો.